મોરબી-ટંકારામાં હાર્દિકની અને જેતપુરમાં છોટે હાર્દિકની સભા

Wednesday 12th April 2017 09:07 EDT
 
 

મોરબીઃ પાટીદાર સમાજનો કન્વીનર હાર્દિક પટેલ નવમી એપ્રિલે યોજાયેલી મોરબી અને ટંકારાની સભાના સંબોધન માટે આઠમીએ રાત્રે જ ટંકારા આવી પહોંચ્યો હતો. મોરબીમાં હાર્દિકના રોડ શોનું આયોજન હતું. જોકે આ રોડ શો માટે આવેલા હાર્દિકે નાનાભેલામાં મૃતક ખેડૂત રમેશભાઇના પરિવારજનોને સાંત્વના આપી હતી ત્યાંથી તે બગથળા, વાવડી થઇ મોરબી પહોંચ્યો હતો. મોરબીમાં હાર્દિક પટેલ પાટીદાર મૃતક નિખિલ ધામેચાના પરિવારજનોને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે, નિખિલની શહીદી એળે નહીં જાય અને તેના માટે ન્યાય માગવામાં આવશે. બીજી તરફ વિરમગામમાં હાર્દિક પટેલ સાથે જ ઉછરેલા હાર્દિક પટેલ કે જેને છોટે હાર્દિક પટેલ નામ અપાયું છે તેણે જેતપુરમાં સભા સંબોધન કર્યું હતું.
જૂનાગઢ રોડ પર આવેલા રાજવાડી પાર્ટી પ્લોટમાં પાટીદાર અનામત આંદોલનના ત્રીજા મોરચાની પ્રથમ જાહેર સભા નવમીએ મળી હતી. પાટીદાર અનામત આંદોલન, સરદાર પટેલ ગ્રુપ બાદ બનેલા એકતા ચેરિટેબલ ટ્રસ્ટની આ પ્રથમ સભા હતી. છોટે હાર્દિકે સભામાં જણાવ્યું કે, હાર્દિક જ્યાં સુધી પાટીદાર સમાજ માટે અનામત મેળવવા માટે રાહબર હતો ત્યાં સુધી અમે તેની સાથ જ હતા, પણ તેને સમાજકારણ છોડીને રાજકારણ ખેલવાનું શરૂ કર્યું તેથી અમે રસ્તો અલગ કર્યો છે. હાર્દિકને સમાજે કરોડો રૂપિયાનું ફંડ આપ્યું હતું જે તેણે શહિદોના પરિવારજનોને આપવાને બદલે જલસા કરવા વાપર્યું છે.
આ કાર્યક્રમમાં પાસના પૂર્વ કન્વીનર ચિરાગ પટેલ, જતીન પટેલ તથા એક્તા ટ્રસ્ટના કાર્યકરો જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter