મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

Wednesday 24th April 2024 05:23 EDT
 
 

અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે દ્વારા ઓરેવા કંપનીને બબ્બે વખત એફિડેવિટ રજૂ કરવા કહ્યું હોવા છતાં કંપની તરફથી જરૂરી એફિડેવીટ ફાઈલ નહી થતાં ગંભીર નોંધ લીધી હતી અને ઓરેવા કંપનીના ડાયરેકટર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગેની નોટિસ જારી કરીને એક સપ્તાહમાં ખુલાસા સાથેની એફિડેવીટ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે સાથે જ હાઈકોર્ટે મોરબી જિલ્લા કલેકટર અને ઓરેવા કંપનીને સાથે બેસીને પીડિતોને કેવી રીતે બનતી તમામ મદદ કરી શકાય તે મુદ્દે જવાબ આપવા નિર્દેશ કર્યો હતો.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત અંગેની સુનાવણી દરમ્યાન 19 એપ્રિલે શરૂઆતમાં ઓરેવા કંપની તરફથી જણાવાયું કે, કલેકટર દ્વારા કંપનીને કશું જણાવાયું નથી. તેથી કલેકટરના સોગંદનામાનો જવાબ રજૂ કરવા અમને સમય આપો. જોકે, હાઈકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે, તમારા ડિરેકટર પહેલાં જેલમાં હતા એટલે તમે કશું કરી શકતા ન હતા એમ કહેતા હતા.તો હવે શું છે? આ હાઈકોર્ટ દ્વારા દાખલ કરાયેલી સુઓમોટો પીઆઈએલ છે. જેમાં કંપનીને સાંભળવા અદાલત બંધાયેલી નથી. તમારે ફકત કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું છે. હાઈકોર્ટે પીડિતોને ચૂકવવાના થતા વળતર મુદ્દે બાંધછોડ કરવાનો સાફ ઈન્કાર કરી દીધો અને માર્મિક ટકોર કરી હતી કે, એમ જણાય છે કે, ઓરેવા કંપની કોર્ટને ટાળી રહી છે. હાઇકોર્ટે ઓરેવા કંપનીને ફટકાર લગાવતાં જણાવ્યું કે, અમે ‘સીટ’નો રિપોર્ટ જોયો છે. દુર્ઘટના પાછળ ઓરેવા કંપનીની જ જવાબદારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter