મોરબી: બંધુનગર નજીક ૧૭મી જુલાઈએ રાતે એક યુવક પોતાનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલા ચાઈનાની બનાવટના મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો જેથી યુવકે બાઈક પરનો કાબૂ ગુમાવતા રોડ પર ફસડાઇ પડ્યો હતો અને માથામાં થયેલી ગંભીર ઇજાના લીધે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુવકની ઓળખ થઈ હતી કે તે ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો વતની હતો. તેનું નામ ગુડડુ શ્રીભાઈ સાહની હતો અને તેની વય ૨૭ વર્ષ હતી. મોરબીના બંધુનગર નજીક ચિરાગ એન્જિનિયરિંગમાં તે કામ કરતો. રિયલ મી કંપનીનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થતાં યુવકે વાહનનું સંતુલન ગુમાવ્યુ હતું અને બાઈક જમીન પર ફસડાઇ પડતાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.