મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યોઃ 51 બાળકો સહિત 135નાં મૃત્યુ

Wednesday 02nd November 2022 07:19 EDT
 
 

મોરબીઃ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 51 બાળકો સહિત 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. મંગળવારે આ ઘટનાના 46 કલાક વીત્યાં છતાં પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે તે જ આ દુર્ઘટનાની ભયાવહતા દર્શાવે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમો ઉપરાંત આર્મી, નેવી અને એરફોર્સ સહિત સેનાની ત્રણેય પાંખ સતત સર્ચ ઓપરેશન કરી રહી છે. સત્તાવાર મૃત્યુઆંક 135 જાહેર થયો છે, પરંતુ હજુ ઘણા લોકો લાપત્તા હોવાનું મનાય છે અને ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરબી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવવા ઉપરાંત મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. બાદમાં તેઓ સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને મળીને તેમના ખબરઅંતર જાણ્યા હતા. તેમણે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી અને બાદમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઘટનાની સંપૂર્ણ પારદર્શકતા સાથે તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યું હતું.
વડા પ્રધાને તંત્રને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા આદેશ આપ્યો હતો. આ માટે ફોરેન્સિક પદ્ધતિનો ઉપયોગ કરવા જણાવીને તપાસમાં કોઇને પણ છાવરવામાં નહીં આવે તેવી ખાતરી ઉચ્ચારી હતી. તેમની આ મુલાકાત વેળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ મોરબી એસપી કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતા. તેમજ ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના આપવાની સાથોસાથ ઘાયલોના ખબર અંતર પૂછ્યછયા હતા. તેમજ ઝૂલતા પુલનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પાસેથી સમગ્ર માહિતી મેળવી હતી.
વડા પ્રધાન સિવિલ હોસ્પિટલમાં ધ્રાંગધાના સવિતાબેન બારોટને મળ્યા હોવાના અહેવાલ છે. પુલ તૂટી પડ્યો ત્યારે સવિતાબેન અને તેમના મામી અને તેમના ત્રણ દીકરા પુલ પર જ હતા. સવિતાબેનના મામી કમળાબેન બારોટનું મોત થયું ગયું છે. જ્યારે સવિતાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાથી અત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે
કુલ નવ લોકોની ધરપરડ
પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે, જેમાં, 2 મેનેજર, 2 રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રેક્ટર પિતા-પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ ત્યાં એક જનહિત અરજી કરીને આ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટના કોઇ રિટાયર્ડ જજના નેતૃત્વમાં SIT બનાવીને તપાસ કરાવવાની માગ કરી છે. વિશાલ તિવારીએ પોતાની અરજીમાં માગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે દેશભરમાં જેટલા પણ જૂના પુલ કે ઐતિહાસિક ધરોહર છે, ત્યાં એકઠી થતી ભીડને મેનેજ કરવાનો નિયમ બનાવવામાં આવે.
તંત્ર દ્વારા પુરજોશમાં રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ
મંગળવારે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હજુ બે લોકો ગુમ છે. જેમને શોધવાની કામગીરી ચાલુ છે. રવિવારે સાંજે ઝૂલતા પૂલ તૂટી પડવાની ઘટના બાદ તંત્ર દ્વારા પુરજોશમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે એનડીઆરએફની અને બે એસડીઆરએફની ટીમો, આર્મીની છ પ્લાટૂન, નેવીની 18 બોટ સાથેની ટીમ, એરફોર્સ અને ફાયર બ્રિગેડ દ્વારા મચ્છુ નદીમાં રેક્સ્યૂ-ઓપરેશન પુરજોશમાં ચાલુ છે. ઘટનાસ્થળે રેન્જ આઈજી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના એસપીની દેખરેખ હેઠળ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે.
400થી વધુ લોકો નદીમાં ખાબક્યા
રવિવારે સાંજે સાડા છ વાગ્યે પુલ તૂટતાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં નેવી, આર્મી, એરફોર્સ, એનડીઆરએફ સહિત રાજ્યના અનેક જિલ્લાના તરવૈયાઓ મોરબી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓએ જાત નિરીક્ષણ કર્યું હતું. આખી રાત અનેક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે પુલનો કોન્ટ્રેક્ટ આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતાં નગરપાલિકાના વેરિફિકેશન વગર ખુલ્લો મૂકી દેવાયો હતો.
હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ
મોરબી દુર્ઘટનાના બીજા દિવસે 50થી વધુ બાળકો સહિત 134 મૃતદેહ બહાર કઢાયા હતા. નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી હતી. બીજી તરફ, મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ હતી. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક એનડીઆરએફ ટીમો અને અનેક જિલ્લાના તરવૈયાઓએ બચાવ કામગીરી કરી હતી.
મિસિંગ હોય તો જાણ કરોઃ જિલ્લા કલેક્ટર
કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે ઝૂલતા પુલ ઉપર કોઈ ફરવા ગયા હોય અને હજુ લાપતા હોય તો તેમના સ્વજનો હજુ પણ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસરની કચેરીમાં ચાલુ કંટ્રોલરૂમમાં તેમજ હોસ્પિટલમાં જાણ કરી શકે છે. અત્યાર સુધીમાં રેસ્ક્યૂ કામગીરી દરમિયાન 224 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 15 વ્યક્તિ મોરબીની વિવિધ હોસ્પિટલમાં અને બે વ્યક્તિ રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હોસ્પિટલમાંથી 73 લોકોને રજા આપી દેવાય છે અને રેસ્ક્યૂ-ઓપરેશન હજુ ત્વરિત ગતિએ ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter