મોરબીમાં ધારાસભ્યને રાજીનામું આપવા દબાણ

Wednesday 02nd September 2015 07:36 EDT
 

મોરબીઃ પાટીદાર આંદોલન દરમિયાન મોરબીમાં ધારાસભ્યનું કાર્યાલય સળગાવવા સહિતની અનેક ઘટના ઘટી હતી. આથી વ્યથિત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી સીરામિક ફેડરેશનના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામાથી નારાજ થયેલા પાટીદાર સેના અને અનામત આંદોલનના આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે, જો તેમને ખરેખર રાજીનામું આપવું હોય તો ધારાસભ્યપદેથી રાજીનામું આપીને સમાજનાં હિતેચ્છુ બને. મોરબીના વતની અને કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ કુંડારીયાનાં કાર્યાલયને પણ સળગાવાયું હતું.

સૌરાષ્ટ્રના ચેરાપૂંજી જૂનાગઢમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાઃ સૌરાષ્ટ્રના ચેરાપૂંજી ગણાતા જૂનાગઢ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અત્યાર સુધીમાં અહિં સરેરાશ ૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી ઓછો મેંદરડામાં ૧૧ ઇંચ અને સૌથી વધુ માળિયામાં ૨૫ ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુ ખેડૂતોને જ્યારે વરસાદની જરૂર છે ત્યારે છેલ્લા ૨૦ દિવસથી વાતાવરણ કોરું રહેતા તહેવારોનો ઉત્સાહ પણ છીનવાયો છે. જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે સમયસર એટલે કે ૧૫ જૂનથી ૨૩ જૂન સુધીમાં સર્વત્ર વાવણીલાયક વરસાદ પડતા, ખેડૂતોએ પણ મોટાભાગે મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. વાવણી બાદ પણ વાવેતરને અનુરૂપ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પછી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ પાકની માવજતમાં લાગ્યા હતા. પણ હવે વરસાદે ત્રણ સપ્તાહથી વધુ દિવસ વિરામ લેતા મોલાતો મુરઝાવા લાગી છે. ખેડૂતોએ જ્યાં સિંચાઇની સુવિધા હતી ત્યાં પાકને ફુવારા કે રેડથી પિયત આપવું પડ્યું હતું.
જૂનાગઢમાં યુનિવર્સિટી માટે વિધાનસભામાં બિલ પસારઃ રાજ્ય સરકારે બે સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરવા કરેલી જાહેરાત અંતર્ગત ગત સપ્તાહે વિધાનસભામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્થાપવા રજૂ કરેલું વિધેયક ચર્ચાના અંતે પસાર કરાયું હતું. ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્થપાતા જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાને આવરી લેતી કુલ ૯૩ કોલેજોનો નવી સૂચિત યુનિવર્સિટીમાં સમાવેશ કરાશે. આ નવી યુનિવર્સિટીની સ્થાપનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે છ જિલ્લાની કોલેજ સંલગ્ન રહેશે. આ નવી યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓને લાભ થશે અને વહીવટી સુવિધામાં વધારો થશે.

ખારવા સમાજના આગેવાનની વરણીઃ વેરાવળમાં સમસ્ત ખારવા સમાજના સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે પ્રભુદાસભાઈ કરશનભાઈ કુહાડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સતત ત્રીજી ટર્મ માટે સમાજના પટેલ તરીકે તેમની બિનહરીફ વરણી થઇ છે.

ધોરાજી, જેતપુર, ઉપલેટા અને જામકંડોરણા માટે નર્મદા પાઈપ લાઈનની સૈદ્ધાંતિક મંજૂરીઃ રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર-ઉપલેટા-જામકંડોરણા શહેર અને તાલુકમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ થઇ રહી છે. જેના પગલે પાણી પુરવઠા રાજ્ય પ્રધાન જયેશ રાદડીયાના પ્રયાસથી રાજ્ય સરકારે રૂ. ૬૦૦ કરોડની યોજના નર્મદા પાઇપલાઈનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter