મોરબીમાં ભારતમાતાનું મંદિર બનાવવા માટે દાતાઓ દ્વારા ભૂમિદાન કરાયું

Wednesday 16th May 2018 07:16 EDT
 
 

મોરબીઃ શહેરમાં ‘જાણતા રાજા’ નાટકના શોને સૌરાષ્ટ્ર અને કચ્છભરમાંથી લોકોએ તાજેતરમાં માણ્યો હતો. તેની સાથે રાષ્ટ્રપ્રેમ પણ ભારતમાતાના મંદિરના નિર્માણ માટે દાનરૂપે વહ્યો હતો. ‘જાણતા રાજા’ના બીજી મેથી છેલ્લા છ દિવસમાં થયેલા શોઝ દરમિયાન ભારતમાતાના મંદિર માટે આશરે અઢી કરોડના ભૂમિદાનની જાહેરાત દાતાઓએ કરી હતી. આ દાતાઓના રાષ્ટ્રપ્રેમને બિરદાવવા આશરે ૨૧ હજાર જેટલી ભારતમાતાની તસવીરોનું વિતરણ પણ કરવાનું આયોજન કરાયું છે. હાલમાં સોળ હજાર જેટલી તસવીરોનું ભેટ તરીકે વિતરણ થઈ ચૂક્યું છે.
માતૃવંદના ટ્રસ્ટ દ્વારા બીજી મેથી ૮ મે સુધી શિવાજી મહારાજના જીવનચરિત્ર પર આધારિત ‘જાણતા રાજા’ નાટકના લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું હતું. આઠમી મેએ આ નાટકનો અંતિમ શો હતો, પરંતુ લોકોની માગના કારણે વધુ એક શો એટલે ૯મીએ પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નાટકના શોઝ દરમિયાન ભારતમાતાના મંદિર માટે દરેક પ્રકારના દાનની દાતાઓએ જાહેરાત કરી હતી. માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણિયાએ જણાવ્યું કે મોરબીમાં ભારતમાતાની તસવીર જેટલી વિતરણ કરાઈ છે તેટલી દેશના કોઈ શહેરમાં વિતરણ થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે મહેશભાઈ ભોરણિયાએ ખુદે પણ ભારતમાતા મંદિર નિર્માણ માટે રૂ. દોઢ કરોડની ભૂમિનું દાન કર્યું છે. આ ઉપરાંત રૂ. ૧૧ લાખ એ. કે. ડબલ્યુ કંપની (જર્મની), રૂ. ૧૧ લાખ પરષોત્તમભાઈ રમણભાઈએ નોંધાવ્યા છે અને વલ્લભભાઈ વરમોરા ગ્રુપ સહિતે ભૂમિદાન નોંધાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter