મોરબી: જિલ્લાના રફાળેશ્વર પાસે આવેલા મકનસર ગૌશાળાની જમીનમાં છેલ્લા ૧ વર્ષમાં હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. એક જ વર્ષમાં ૧૧૦ હેકટરમાં વાવેલાં વૃક્ષો ૪થી ૧૧ ફૂટના થઈ ચૂક્યાં છે. આ સ્થળે લોન ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. મકનસર ગૌશાળાની જમીન પાંજરાપોળે આપી છે. આ કાર્ય માટે ફન્ડિંગ કેર ઇન્ડિયાએ પૂરું પાડ્યું છે, પરંતુ આ સ્થળનું સંચાલન વન વિભાગ દ્વારા થઈ રહ્યું છે. મોરબી જિલ્લાના ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર ભાલોડીએ વન મહોત્સવના પ્રસંગે આ માહિતી આપી હતી.
તાજેતરમાં મોરબી સિરામિક ઔદ્યોગિક એકમના કેટલાક પ્રતિનિધિઓએ રફાળેશ્વરની મુલાકાત લીધી હતી ત્યારે ભાલોડીએ કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓએ પોતાના ઉદ્યોગગૃહોના કેમ્પસમાં તો વૃક્ષો વાવ્યા જ છે. બગીચાઓ પણ બનાવ્યા છે. જાહેર માર્ગોની બંને બાજુએ પણ હરિયાળી ઊભી કરી છે, પણ મોરબી તાલુકાના લાલપર પાસે ખરાબાની જમીનમાં એક વર્ષમાં વડ, પીપળો, લીમડા, ગુલમહોર સહિતના ૭૨૩ વૃક્ષોનું વાવેતર કર્યું છે તે સરાહનીય છે.
આ ઉપરાંત ભાલોડીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રેમી હાર્દિકભાઈ દરીએ લાલપરમાં કેનાલના કાંઠે લીમડા, કર્ણ સહિતના વૃક્ષો વાવ્યા હતા, પણ આ જમીન નર્મદાની કેનાલના કામ માટે કપાતમાં ગઈ હતી. જોકે હાર્દિકભાઈએ ફરી એક વર્ષમાં ૨૫૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરી જાહેર સ્થળને હરિયાળી બક્ષી છે તે વખાણવા લાયક છે.