રવીન્દ્ર જાડેજાનો અખબાર સામે રૂ. ૫૧ કરોડનો માનહાનિનો દાવોઃ

Saturday 24th January 2015 07:11 EST
 

બર્મિંગહામવાસી પરિવાર દ્વારા ખંભાળીયામાં સેવા કાર્યઃ લાયન્સ ક્લબ ઓફ ખંભાળિયાના ઉપક્રમે ખંભાળિયાના વતની અત્યારે બર્મિંગહામવાસી નથવાણી બ્રધર્સના આર્થિક સહયોગથી સ્વ. પિતા નારણદાસ હંસરાજભાઇ નથવાણી તથા સ્વ. માતા શાંતાબહેન નારણદાસ નથવાણીના સ્મરણાર્થે મીઠાપુર બાલમુકુંદ પાંજરાપોળના સહયોગથી પશુરોગ નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન તાજેતરમાં થયું હતું. આ ઉપરાંત નથવાણી પરિવાર દ્વારા લોહાણા કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા. છાત્રાલયના ટ્રસ્ટી ડો. કાશ્મિરાબહેન રાયઠઠ્ઠાએ સ્વાગત કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં વિક્રમજનક દંતયજ્ઞમાં ૬,૨૩૦ લોકો જોડાયાઃ નર્મદાબેન માધવરાય સવાણી ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લાના લીલીયાના મોટા ભમોદ્રા ગામ ખાતે ગત સપ્તાહે એક વિશાળ દંતયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં લીલિયા, સાવરકુંડલા અને જેસર સહિત ત્રણ તાલુકાઓનાં લોકો આવ્યાં હતાં. દંતયજ્ઞ માટે ૫,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧,૨૩૦ ગ્રામજનો સહિત કુલ ૬,૨૩૦ દર્દીઓએ લાભ લીધો હતો. આટલી વિશાળ સંખ્યામાં એક જગ્યાએ દંતયજ્ઞ માટે લોકો એકત્ર થતાં રેકોર્ડ તરીકે લિમ્કા બુક અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. આ પહેલાં દિલ્હીમાં ૨૦૧૪માં ૫,૨૦૦ લોકોએ એક સાથે દંતયજ્ઞમાં ભાગ લેતાં તેની ગિનેસ બુકમાં રેકોર્ડ તરીકે નોંધણી થઇ હતી.

સિમેન્ટ પ્રોજેક્ટમાં નિરમા કંપનીને મોટી રાહત મળીઃ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં આવેલા સમઢિયાળા બંધારા વિસ્તારમાં નિરમા કંપની દ્વારા ૨૬૦ હેકટર જમીનમાં વિરાટ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા સામે અગાઉ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો.કનુભાઈ કળસરિયાના નેતૃત્ત્વમાં આ આંદોલનને કારણે અંતે વન અને પર્યાવરણ મંત્રાલયે કંપનીનું પર્યાવરણ ક્લિયરન્સ રદ કર્યું હતું. પછી આ સામે નિરમા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં રિવિઝન અરજી કરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ તેમનો પક્ષ રાખવાની માગણી કરી હતી. જે અનુસંધાને નિરમા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલી રજૂઆતો અનુસંધાને તાજેતરમાં ટ્રિબ્યુનલે મંત્રાલય દ્વારા કંપનીના એન્વાયરમેન્ટ કિલયરન્સને બહાલ રાખ્યું છે. આથી કંપનીને મોટી રાહત થઇ છે. આથી હવે નિરમા કંપની તેના સિમેન્ટ પ્લાન્ટ માટે બાંધકામ આગળ વધારી શકે છે. અત્યારે સમગ્ર પ્રોજેક્ટ બંધ છે. જો કે આ મામલે હજુ કનુભાઈ કળસરિયા દ્વારા અને સ્થાનિક ખેડૂત સમિતિ દ્વારા નવા કાનૂની યુધ્ધની શકયતા છે.

ખોડલધામમાં ૫૨૧ દંપતીના સમૂહલગ્નમાં દાનનો ધોધ વહ્યોઃ રાજકોટ જિલ્લાના ખોડલધામ ખાતે સામૂહિક લગ્નનો વિક્રમ તો સર્જાયો સાથે દાનનો પ્રવાહ પણ વહ્યો હતો. ૨૧ જાન્યુઆરીએ યોજાયેલા સમૂહલગ્નોત્સવમાં કુલ ૫૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેની એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી થઇ હતી. આ પ્રસંગે નિરમા કંપનીના કરશનભાઈ પટેલે રૂ. પાંચ કરોડનું તથા અન્ય દાતાઓએ રૂ. ૧-૧ કરોડથી વધુ રકમનું દાન કર્યું હતું. આમ રૂ. ૨૦ કરોડનું દાન પટેલ સમાજ દ્વારા મળ્યું હતું. આફ્રિકામાં વ્યવસાય કરતાં રવિભાઈ આંબલિયાએ સવા બે કિલો સોનું ખોડલ માતાના ચરણે ધર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter