રાઘવજી પટેલ સહિત ૪૦૦થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં સોંપો

Wednesday 06th September 2017 09:57 EDT
 

જામનગરઃ જામનગરમાં પહેલી સપ્ટેમ્બરે જનસમર્થન સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય પ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની દયા આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાચા કોંગ્રેસીઓ પક્ષ છોડી રહ્યા છે. ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસનું નામું નંખાઈ ગયું છે. તેમણે આગામી ચૂંટણીમાં ૧૬૦ સીટ જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રૂપાણીના હસ્તે પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતના સભ્યો, ધ્રોલ-માર્કેટિંગયાર્ડના સભ્યો સહિત ૪૦૦થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા હતા.
રાહુલ ખરેખર ‘પપ્પુ’ છેઃ રાઘવજી
રાઘવજીભાઈએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને વ્હોટ્સએપ, ફેસબુક પર લોકો ‘પપ્પુ’ કહેતા ત્યારે કોંગ્રેસી તરીકે દુખ થતું, પણ કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ માટે રાહુલ ગાંધીને મળવાનું થયું ત્યારે તે ‘પપ્પુ’ છે તેવો અહેસાસ થયો હતો.
ભાજપી કોર્પોરેટર સસ્પેન્ડ
કોંગ્રેસીઓના ભાજપ પ્રવેશ પછી ભાજપના કોર્પોરેટર કરશન કરમુરે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે, આયાતી ઉમેદવારને ટિકિટ અપાશે તો ભાજપના કાર્યકરોમાં અસંતોષ વધશે. જેના પગલે શહેર ભાજપ પ્રમુખે કરશન કરમુરેને જ ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter