રાજકોટ સિવિલની ત્રીજી બેદરકારીઃ ‘કંઈ નથી’ કહી ધકેલાયેલા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ!

Tuesday 31st March 2020 06:08 EDT
 
 

રાજકોટ: મુંજકા ગામના રહેવાસી અને રાજકોટની એક કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા આશરે દર વર્ષે વિદેશ જતા ૩૬ વર્ષીય યુવાન ૧૫મી માર્ચે રાજકોટ પહોંચ્યા પછી સામેથી જ મેડિકલ તપાસ કરાવવા સાથે કોરોન્ટાન થયા હતા. ૧૭મી માર્ચે મુંજકા આરોગ્ય કેન્દ્રના કર્મચારી દયાબહેન ડેર તેમજ હિરેનભાઈ ડાંગર તેમની તપાસ માટે ગયા હતા. હિરેનભાઈએ જણાવ્યું કે યુવાનના શરીરનું તાપમાન ૧૦૦ ડિગ્રી કરતાં ઉપર હતું તેથી તેમને રાજકોટ સિવિલ લઈ જવાયા હતા. ત્યાં આરોગ્ય કર્મી આઈસોલેશનની બહાર રહ્યા જ્યારે યુવાનને અંદર લઈ જવાયા હતા. યુવાનના શરીરનું તાપમાન ૧૦૦થી ઉપર હોવા છતાં તેને કહેવાયું કે કંઈ નથી, નોર્મલ છે અને દાખલ થવાની જરૂર નથી તેમ કહી બહાર મોકલી દીધા હતા. સિવિલના નિદાન પર શંકા જતા યુવાન પોતે જ રૂમમાં પુરાયા હતા અને ખાનગી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ કરાઈ હતી જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવાનનો કોરોન્ટાઈન પિરિયડ ૨૯મી માર્ચે પૂરો થતો હતો. તેના ૪ દિવસ પહેલાં તેઓની તબિયત વધુ લથડી હતી. ખાનગી હોસ્પિટલમાં યુવાન કોરોન્ટાઈન પોઝિટિવ આવ્યા પછી સિવિલમાં ફરી વખત તપાસ કરાતાં ત્યાં પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને યુવાનની સારવાર ચાલુ છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની ૩જી ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સૌ પ્રથમ બેદરકારી જંગલેશ્વરના યુવાનના કેસમાં સામે આવી હતી. તાવ અને શરદીની સમસ્યા સાથે જંગલેશ્વરનો યુવાન સિવિલ ગયો હતો તેને પરત મોકલી દીધો. બેદરકારી ધ્યાને આવતા ફોન કરી ઘરેથી બોલાવ્યો હતો અને તેની સારવાર શરૂ કરાઈ હતી. ન્યૂ કોલેજવાડીના યુવાન તપાસ માટે રાજકોટ સિવિલમાં ગયા હતા. તેમને શરદી, તાવ હોવા છતાં સેમ્પલ ન લીધા કંટાળીને યુવાન ખાનગી હોસ્પિટલમાં ગયા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ મામલે પીડિતોનાં પરિજનો તરફથી ફરિયાદ મળતાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે કે, જે તે સમયે ફરજ પર રહેલા મેડિકલ સ્ટાફની તપાસ કરાશે.
ભાવનગરમાં એક જ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ
૩૦મી માર્ચે એક જ દિવસમાં પાંચ પોઝિટિવ. જેસરના મોટા ખૂંટવડાની ૪૫ વર્ષીય મહિલાનું મોત. આ મહિલા સુરતથી આવી હતી અને તેના સંબંધીઓ દ્વારા ચેપ લાગ્યાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં ૨૬મી માર્ચે એક વૃદ્ધનું પણ કોરોનાને કારણે મોત થયું હતું. વૃદ્ધ ૮મી માર્ચે હવાઈ માર્ગે ભાવનગરથી દિલ્હી અને ૧૧મી માર્ચે દિલ્હીથી ભાવનગર આવ્યાં હતાં.
માસ્કનો કાળો કારોબાર
રાજકોટમાં કલેક્ટરના આદેશ મુજબ પુરવઠા વિભાગે દરોડા પાડતાં ત્રણ મેડિકલ સ્ટોર કેર એન્ડ કેર મેડિકલ (કરણપરા), શ્રીહરિ મેડિકલ (ભીલવાસ), હેલ્થકેર મેડિકલ (કાલાવડ રોડ)માંથી લગભગ ૨૭૦૦ માસ્ક ઝડપાયા છે. આ માસ્ક રૂ. ૧૦૦ના હતા જે રૂ. ૪૦૦માં વેચાતા હતા. હાલ પુરવઠા વિભાગે જથ્થો સીલ કરી મેડિકલ સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઘરમાં રહી રચનાત્મક પ્રવૃત્તિ કરો ઇનામ મેળવો
જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રએ નવો પ્રયોગ શરૂ કરતાં જણાવ્યું છે લોકો ઘરમાં જ રહી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ કરો. લોકોએ તૈયાર કરેલી કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિઓને જિલ્લા પોલીસ દ્વારા ઇનામ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરશે. સ્પર્ધાની ખાસ બાબત એ છે કે ભાગ લેનારાના પરિવારનો કોઇ સભ્ય લોકડાઉનના નિયમનો ભંગ કરતા ઝડપાશે તો સ્પર્ધકનું રજિસ્ટ્રેશન રદ થશે.
ઉનાનો જેનિલ પ્રેરણારૂપ
જેનિલ નામનો ઉનાનો રહેવાસી ધો. ૪નો વિદ્યાર્થી રોજેરોજ સિલાઈ મશીન ઉપર જાતે આશરે સોથી વધુ માસ્ક બનાવીને ગરીબ અને નિરાધાર બાળકોને આપી રહ્યો છે. કોવિડ -૧૯થી બચવા લોકો માસ્ક બાંધે અને ઘરમાં રહે તેવી વિનંતી પણ તેણે કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter