રાજકોટઃ રાજકોટમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૮ ઓક્ટોબરે રમાનારી ક્રિકેટ મેચ માટે ૧૮ હજાર ટિકિટો ઓનલાઈન બુક કરાવી હોવાનો દાવો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે. વોટ્સએપ વાઈરલ કરીને તેમણે પાટીદારો કેવી રીતે ક્રિકેટમેચમાં વિરોધ પ્રદર્શન કરશે તેની વિગતો જાહેર કરી છે.
હાર્દિક પટેલે જણાવ્યું છે કે, પાટીદારો ખેડૂતોનો વેશ ધારણ કરીને સ્ટેડિયમમાં પ્રવેશ કરશે અને વિરોધ પણ કરશે જ. અમે નવ હજાર ટી-શર્ટ તૈયાર કરી છે અને ૩૭૦૦ પ્લેકાર્ડ બનાવીને તૈયાર રાખ્યા છે જેમાં જય સરદાર-જય પાટીદાર, પટેલને અનામત આપો, ભાજપ હાય હાય જેવા અનેક સૂત્રો અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લખ્યા છે. બોલવાના અધિકાર પર નિયંત્રણ ન હોય અને અમને થયેલા અન્યાય મુદ્દે અમે સ્ટેડિયમમાં હાય હાયના નારા લગાવીશું. એટલુ જ નહિ, સમિતિના આગેવાનો રાજ્યપાલને આવેદનપત્ર સોંપીને ગુજરાત સરકાર અને પોલીસના અત્યાચાર મુદ્દે ખુલાસો કરવા માંગણી પણ કરશે. બીજી તરફ સ્ટેડિયમના સત્તાધીશો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને મેચ શાંતિથી રમાય તે માટે નવી નીતિઓ ઘડવાની ફરજ પડી છે. ટિકિટ માટે ઓળખપત્ર ફરજિયાત બનાવ્યા પછી હવે જાહેર કરાયું છે કે ટીખળી પ્રેક્ષકોને સ્ટેડિયમની બહાર હાંકી કાઢવામાં આવશે અને જરૂર પડશે ન્યૂ યોર્કની જેમ સ્ટેડિયમમાં બ્લેકલિસ્ટ કરાશે.
• રાજકોટ જિલ્લામાં નર્મદાના નીર મળશેઃ રાજકોટ જિલ્લાના ૧૫૬ ગામો તથા પાંચ શહેરો- જેતપુર, ભાયાવદર, જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટાને રૂ. ૬૦૦ કરોડના ખર્ચે નર્મદા બલ્ક પાઈપલાઈન નેટવર્ક સાથે જોડવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ અંગે પાણી પુરવઠા પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, હવે આગામી દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ થશે. ઘણા વર્ષો સુધી સૌરાષ્ટ્ર પાણી માટે તરસતું હતું અહીં પીવાના પાણીના કાયમી સોર્સનો અભાવ હતો. વરસાદ પડે અને જે ડેમો ભરાય તેના પર જ આધાર રાખવો પડતો હતો પરંતુ રાજ્ય સરકારે સૌરાષ્ટ્રને નર્મદા સાથે જોડીને કાયમી સોર્સ ઊભો કરીને પાઈપલાઈન નેટવર્ક ઊભું કર્યું છે.