રાજકોટ: મનહર પ્લોટમાં ગલાલ કૃપા મકાનમાં રહેતા જયરામભાઇ સગપરિયા (ઉ.વ.૯૨)એ સોમવારે સવારે ૧૧ વાગ્યે મકાનના ઉપરના ભાગે રહેતા પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાને પૂછ્યું કે, લોખંડનો ભંગાર શું કામ વેચ્યો? સસરાએ સવાલ કરતાં ભાવના અને તેના પુત્ર શુભમ ક્રોધે ભરાયાં અને જયરામભાઈ અને તેમનાં પત્નીની મારકૂટ શરૂ કરી. ધક્કો મારી વૃદ્ધોને પછાડી દીધાં. આ ઘટના અનેકોએ અને સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. પાડોશીઓએ ફોન કરતાં પોલીસ આવી અને કૈલાસ અને તેની પત્ની ભાવનાની ધરપકડ કરી હતી, જ્યારે શુભમ બાળઆરોપી હોવાથી ધરપકડ કરાઈ નહોતી. જયરામભાઇએ જણાવ્યું કે, ચાર પુત્ર અને પાંચ પુત્રીના ગુજરાન માટે મેં શાકભાજી વેચી છે. મજૂરી કરી છે. કૈલાસના નામે કર્યું ત્યારે શરત કરી હતી કે, દીકરીઓને મામેરા, અમારા નીભાવ માટે મહિને ત્રણ હજાર આપવાના રહેશે, ૩ વર્ષથી તે આપવાનું બંધ કરી દીધું છે. બે વર્ષથી મારકૂટ કરવા લાગ્યા છે. હવે તો મોત આવે તો સારું.