રાજકોટમાં ર૦ કલાક ગાંધી કથાનું વાંચનઃ

Tuesday 03rd February 2015 13:17 EST
 

જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના વા. ચાન્સેલરને પદ્મશ્રીઃ જામનગરની આર્યુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રાજેશ કોટેચાને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો છે. તેઓ સોરઠના કોડીનારના લોહાણા મહાજનના ટ્રસ્ટી રમેશભાઇ કોટેચાના પુત્ર છે. તેમનું જયપુરમાં ચક્રપાણી આયુર્વેદિક કલીનીક અને રિસર્ચ સેન્ટર પણ ચાલે છે. આ ફાર્મસી સેન્ટરમાંથી તેઓ વિવિધ રોગોની દવા બનાવીને આપે છે. અમેરિકા, ફ્રાન્સ, જર્મનીમાં પણ આ રિસર્ચ સેન્ટર ચાલે છે, તેમની પાસે પાંચ ડોકટરો સહિત ૫૦ લોકોનો સ્ટાફ છે. આ રિસર્ચ સેન્ટરમાં પંચકર્મની ટ્રેનીંગ માટે એમબીબીએસ ડોકટરો આવે છે. ડો. કોટેચાને પાંચ વર્ષ પહેલા દિલ્હીનાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના હસ્તે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. 

પુત્રનાં મોત પછી પુત્રવધૂને દીકરી તરીકે ફરીથી પરણાવીઃ બેંકના નિવૃત્ત કર્મચારી એવા વૃદ્ધે પોતાની વિધવા પુત્રવધૂ ફરીથી સુખી સંસાર ભોગવે તે માટે તેને પુત્રી ગણી વાજતે ગાજતે લગ્ન કર્યા છે. આ સાસુ, સસરાએ જ કન્યાદાન કરી પુત્રવધૂને ઘરેથી વળાવી હતી. સાવરકુંડલાનાં કાળુભાઈ ચંદુભાઈ અગ્રાવતના નાના પુત્ર હરેશના લગ્ન ગત ૨૪ એપ્રિલ ૨૦૦૮ના રોજ ધોરાજી તાલુકાના તોરણિયા ગામની નીતા સાથે થયા હતા. આ દંપતીને ત્યાં બાદમાં એક પુત્રનો પણ જન્મ થયો હતો, પરંતુ કુદરતને તેમનું સુખ મંજૂર ન હોય તેમ ૩ નવેમ્બર ૨૦૧૨ના રોજ હરેશભાઈનું તાવની બીમારીમાં અમદાવાદ ખાતે મોત થયું. પરિવાર માટે આ આઘાત સહન કરવો મુશ્કેલ હતો. જોકે હવે ત્રણ વર્ષના ગાળામાં તેનો પરિવાર આઘાતમાંથી બહાર આવ્યો છે. કાળુભાઈએ સમાજને નવો રાહ ચીંધનારું પગલું લઈ પુત્રવધૂને પુત્રી ગણી તેને ફરી પરણાવવાનો નિર્ણય લીધો. નીતાબેનના માવતરે પણ સહમતી આપતા બાબરા તાલુકાના જામબરવાળા ગામના પ્રકાશ શામળદાસ નિમાવત સાથે તેના લગ્ન કરાયા હતા.

જામનગરમાં વાણંદ જ્ઞાતિ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞઃ જામનગર શ્રી લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ સંસ્થા અને સ્વ. પ્રભાબેન ભગવાનજીભાઇ વાઘેલા મેમોરિયલ ટ્રસ્ટ પ્રાયોજિત તથા લક્ષ્મીનારાયણ વાણંદ સત્સંગ મંડળ દ્વારા જામનગરમાં ગત સપ્તાહે પિતૃઓની સ્મૃતિમાં ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થા, ટ્રસ્ટ અને સરોજબેન વસંતલાલ ઘડિયાલી (યુકે)ના સંયુક્ત ઉપક્રમે મહાપ્રસાદનું આયોજન થયું હતું. કેનેડાનિવાસી ક્રિષ્નાબેન અને અરવિંદભાઇ માવદિયા પણ આ નિમિત્તે હાજર રહ્યા હતા.  

કેશોદમાં ડબ્બા ટ્રેડિંગમાં રૂ. .૭૯ કરોડના બેનામી વ્યવહારઃ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતેથી રૂ. ૩. ૭૯ કરોડના ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે. કેશોદ પોલીસે આ અંગે શહેરના જ ત્રણ શખસોને પકડીને રૂ.૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ લોકોની પ્રાથમિક પૂછપરછમાં અન્ય ૧૫ થી ૧૭ શખસોની સંડોવણી બહાર આવી છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલી જય ભોલેનાથ નામની એક ઓફિસમાં દરોડો પાડયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter