રાજકોટવાસીઓ માટે પણ શરૂ થશે સસ્તી વિમાની સેવા!

Wednesday 03rd April 2019 08:50 EDT
 

રાજકોટઃ સૌરાષ્ટ્રભરની જનતા માટે રોજકોટથી હવાઈ મુસાફરી સરળ વિકલ્પ છે ત્યારે મુંબઈની હવાઈ મુસાફરી રાજકોટથી સસ્તી અને સુવિધાજનક બનશે તેવા અહેવાલ છે. તાજેતરમાં જેટ એરવેઝની રાજકોટ આવતી દૈનિક ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી અને અન્ય વિમાની સેવાની ફ્રિકવન્સી પણ ઘટી હતી. એકમાત્ર એર ઇન્ડિયાની ફ્લાઇટ્સનો જ આધાર રાજકોટવાસીઓએ રાખવો પડતો હતો. વળી આ મુસાફરીની વન ટાઈમ ટિકિટ રૂ. ૧૮ હજાર સુધી પહોંચી હતી. જેથી મુસાફરો રાજકોટથી બસ દ્વારા અમદાવાદ જતા અને ત્યાંથી સોંઘી વિમાની મુસાફરી કરતા હતા. હવે આ મુશ્કેલીનો પણ અંત આવી રહ્યાનું જાણવા મળ્યું છે. એક અહેવાલ પ્રમાણે, જેટ એરવેઝના પાયલટની હડતાળ સમેટાઇ છે અને અન્ય એરલાઈન્સ કંપની પણ રાજકોટમાં પ્રવેશવા તત્પર છે. અમદાવાદથી જે રીતે ઇન્ડિંગો, સ્પાઇસ જેટ વગેરે વિમાની સેવા ચાલે છે તે જ રીતે રાજકોટથી પણ આ પ્રકારની સેવાઓ શરૂ થવાના એંધાણ છે. 

સૌરાષ્ટ્રમાં અમરેલી, કેશોદ, ભાવનગરમાં વિમાની સેવાઓ વ્યવસ્થિત ન હોવાથી સૌરાષ્ટ્રના મુસાફરોને હવાઈ સફર અંગે અગવડ ઊભી થઈ રહી હતી. જાણવા મળ્યા મુજબ દીવમાં પણ હવાઈ સેવા અનિયમિત રહે છે ત્યારે રાજકોટમાં હવાઈ સેવા માટે વિકલ્પો ઊભા થવાથી હવાઈ સુવિધા આપતી કંપનીઓને પણ મુસાફરોની સારી સંખ્યા મળી રહેશે અને સામાન્ય સૌરાષ્ટ્રવાસીના પણ હવામાં ઉડવાના શમણા સાકાર થશે.
એરલાઇન્સ ફેસેલિટીને આચારસંહિતા લાગુ પડતી ન હોવાથી એપ્રિલ મહિનાથી જ રાજકોટને સોંઘી અને વધુ વિમાની સેવા મળી રહે તેવા અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter