રૂ. ૧૫૦૦ની PPI કિટ રૂ. ૪૮૦માં બનીઃ ૧૦ હજાર સરકારને અપાશે

Wednesday 15th April 2020 07:23 EDT
 

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રૂ. ૧૫૦૦ની પીપીઆઈ કિટ રૂ. ૪૮૦માં બની છે અને સરકારને ૧૦ હજાર કિટ અપાશે એવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. ૧ લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં આધુનિક સુવિધા ઊભી કરાઈ છે તેમાં ઉમેરા સ્વરૂપે ૧૫૦૦થી ૨૦૦૦માં મળતી પીપીઆઈ કિટ રૂ. ૪૮૦માં તૈયાર થવાથી તબીબી ક્ષેત્રે સકારાત્મક્તા છવાઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ આ પીપીઆઈ કિટ તૈયાર કરી છે અને માત્ર ૭ દિવસમાં ૧૦,૦૦૦ કિટનું ઉત્પાદન કરવાની જાહેરાત ૮મી એપ્રિલે કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને આ કિટ તૈયાર કરવામાં ઘણી મહેનત કરી છે.
કિટ તૈયાર કરનારી ટીમમાં સામેલ ડો. તેજસ કરમટાના જણાવ્યા અનુસાર આ કિટ ઉચ્ચ ગુણવત્તાની છે તેમજ રાષ્ટ્રીય માનકોના તમામ ટેસ્ટમાં પાસ થઈ છે. સૌથી ઉચ્ચ મેડિકલ ગ્રેડના નોનવુવન મટિરિયલ કે જે નેશનલ લેબમાંથી પાસ થઈ છે તેમાંથી તૈયાર કરાઈ છે. કિટ બનાવવામાં નહીં નફો નહીં નુકસાનનું ધોરણ રખાયું છે તેમજ સહયોગી પાંચ યુનિટોએ પણ માર્જિન નથી રાખ્યું જેથી રૂ. ૧૫૦૦થી રૂ. ૨૦૦૦માં મળતી આ કિટ ફક્ત રૂ. ૪૮૦માં ઉપલબ્ધ કરાવી શકાશે.

જાણો કિટમાં શું શું હોય છે?

• ફૂલ બોડી ગાઉન: ૯૦ જીએસએમ પોલીપ્રોપીલિન મટીરિયલના વપરાશથી માથાથી અંગૂઠા સુધી, એરફોર્સના પાઇલટ સૂટની જેમ એક જ ચેઇનથી પહેરવાનો ડ્રેસ
• હેડ હૂડ: માથા પર પહેરવાની ટોપી જે ગાઉન મુજબના મટીરિયલથી બનાવાયું છે
• પીવીસી ગાઉન: ગાઉન પરનું કવર પીવીસી મટીરિયલનું છે.
• માસ્ક: ટ્રિપલ લેયર ફેસ્ટ માસ્ક
• ગોગલ્સ: પીવીસી મટિરિયલ અને ઝીરો પાવર ડિસ્પોઝેબલ
• ગ્લવ્ઝ: હેન્ડ ગ્લોવ્ઝ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter