રૂ. ૧૯૦૦ કરોડના ખર્ચે ભાવનગર પોર્ટ પર વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનશે

Wednesday 13th November 2019 05:47 EST
 

ગાંધીનગરઃ ભાવનગર – અલંગ બંદર માટે સતત નકારાત્મક અહેવાલો વચ્ચે એક આશાનું કિરણ દેખાયું છે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂ. ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુકે)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને મંજૂરી મળી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી) દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. યુકેમાં હેડક્વાટર ધરાવતી કંપની ફોરસાઇટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ અને અમદાવાદની પદ્મનાભ મફતલાલ ગ્રુપ દ્વારા ભાવનગર પોર્ટ નજીક નવું પોર્ટ ટર્મિનલ બનાવવામાં આવશે. લંડન સ્થિત ફોરસાઇટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ કંપનીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સાથે વાયબ્રન્ટ ગુજરાત - ૨૦૧૯માં ગુજરાતના દરિયાકાંઠે સીએનજી ટર્મિનલ બનાવવા માટેના કરાર કર્યાં હતાં. આ પ્રોજેક્ટ હેઠળ પોર્ટ ટર્મિનલથી વાર્ષિક ૬૦ લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે.
ભાવનગર પોર્ટ દ્વારા ગત વર્ષે ૩૧ લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું જે ઇતિહાસમાં સૌથી વધું હતું. નવું ટર્મિનલ બનવાથી ભાવનગર બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે. જીએમબીના ગાંધીનગર સ્થિત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ રૂ. ૧૯૦૦ કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ ચરણમાં રૂ. ૧૩૦૦ કરોડ અને દ્વિતીય ચરણમાં રૂ. ૬૦૦ કરોડનો ખર્ચ કરાશે. કંપનીને પ્રારંભિક કામગીરીના આરંભ માટે જીઆઇડીબી સાથેના વિસ્તૃત કરાર પર ટૂંક સમયમાં સહી સિક્કા કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter