લાખો ભાવિકોએ ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યાં

Wednesday 04th September 2019 06:18 EDT
 
 

ભાવનગરઃ ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો. ભાદરવી અમાસના દિવસે કોળિયાકના સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન અને અહીં સમુદ્ર સ્નાન કરી કલંકમુક્ત થવા દેશભરમાંથી ભાવિકો અહીં ઉમટી પડે છે. દંતકથા મુજબ મહાભારતના યુદ્ધમાં થયેલા નરસંહારથી પાંડવો વ્યથિત હતા તેથી ભગવાન શ્રીકૃષ્ણને આ વ્યથા અને કલંકથી મુક્ત થવા ઉપાય પૂછ્યો. કૃષ્ણએ ઉપાય સૂચવ્યો કે, કાળી ધજા લઈને સમુદ્ર કાંઠે વિચરણ કરો. જયાં આ ધજા શ્વેત થઈ જાય ત્યાં શિવપૂજા અને સમુદ્ર સ્નાન સાથે નિષ્કલંક થવાશે.

પાંડવો હાલના ભાવનગરના કોળિયાકના આ સમુદ્રકાંઠે પહોંચ્યા અને ધજા સફેદ થઈ ગઈ. અહીં સમુદ્ર સ્નાન અને શિવપૂજા સાથે પાંડવો નિષ્કલંક થયા તેથી ઓટ સમયે જ દેખાતા સમુદ્રમાંના આ મહાદેવનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું તેવી કથા છે.
શ્રાવણના અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસે અહીં સમુદ્ર સ્નાન કરી, નિષ્કલંક મહાદેવના દર્શન કરી કલંકમુક્ત થવા લાખો ભાવિકો ઉમટે છે. ૩૦મીએ વહેલી સવારે સમુદ્રની ઓટ સાથે જ મહાદેવના ઓટના દર્શન થતાં પ્રથમ ભાવનગરના રાજવી પરિવારની ધજા ચડી અને ત્યારબાદ ભાવિકોના પ્રવાહે સમુદ્ર સ્નાન માટે રીતસર દોટ મૂકી હતી. ૨૯મી ઓગસ્ટની સાંજથી શરૂ થયેલો આ મેળો ૩૦મી ઓગસ્ટની વહેલી સવારે સમુદ્રસ્નાન અને દર્શન બાદ બપોર પછી વિખેરાવા લાગ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter