લાખો શ્રદ્ધાદીપ સાથે પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવની સમાપના

Wednesday 19th December 2018 05:43 EST
 
 

રાજકોટઃ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પાંચમીથી પંદરમી ડિસેમ્બર સુધી રાજકોટમાં માધાપર-મોરબી બાયપાસ રોડ પર આવેલા સ્વામીનારાયણ નગરમાં ઊજવાયો હતો. સંપૂર્ણ મહોત્સવમાં ૨૨૦૦૦ સ્વયંસેવકો ૧૧ દિવસમાં ખડેપગે સેવારત રહ્યાં હતાં. બે લાખથી વધુ ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે આ મહોત્સવનું સમાપન થયું હતું. મહોત્સવની મુખ્ય સભા સ્વામીનારાયણ નગરની સામે આવેલા મુખ્ય મહોત્સવ સભા સ્થળે ૫.૩૦થી ૮.૩૦ દરમિયાન યોજાઈ હતી. આ સભામાં ૯૫૦થી વધુ સંતો ઉપસ્થિત હતા. જોકે સાંજે ૪.૦૦ કલાકે મહોત્સવ સભામાં પ્રવેશની શરૂઆત થઈ હતી. આ મહોત્સવ સભાની ઉજવણી મહંતસ્વામી મહારાજ, દેશવિદેશથી ઉપસ્થિત સંસ્થાના વરિષ્ઠ સ્વામી, સંતો હરિભક્તો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થઈ હતી.
સમાપના કાર્યક્રમના પ્રારંભે સ્વામીનારાયણ ભગવાનની ધૂન બોલાવાઈ હતી. એ પછી સાધુ પ્રવચન અને ભક્તિ કાર્યક્રમો હતા. રાત્રે વૈદિક અક્ષર પુરુષોત્તમ દર્શનને અનુરૂપ સ્વામીનારાયણ આરતી થઈ હતી. લાખો ભક્તોએ સમૂહઆરતીમાં પ્રમુખસ્વામી મહારાજને લાખો દીવડાઓથી અંજલિ આપી હતી.
અંતિમ ચરણમાં મહંતસ્વામીએ કહ્યું કે, સ્વામીબાપાએ કંઈ બાકી રાખ્યું નથી. શ્વાસ લેવાનો પણ સમય ન મળે એવી વ્યસ્તતા સાથે કેટલાય સુકાર્યો કર્યાં છે. એમનો આપણા પર અનંત ઉપકાર છે. પ્રમુખસ્વામી મહારાજે ભગવાન અને ગુરુને જ સદા આગળ રાખ્યા છે. સ્વામીબાપા જેવી સાધુતા અને સદગુણો સૌમાં આવે એવી પ્રાર્થના.
આ મહોત્સવ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની લાગણીઓ લેખિત સંદેશા રૂપે મોકલી હતી. જે સમાપન કાર્યક્રમમાં મંચ પરથી વાંચી સંભળાવાઈ હતી.
પિતા-પુત્ર જેવો ભાવ થતોઃ વડા પ્રધાન
મોદી આ મહોત્સવમાં પ્રત્યક્ષ હાજર નહોતા, પરંતુ તેમણે મોકલેલા સંદેશામાં જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી નિષ્કામ કર્મયોગી હતા. તેમણે દિવ્યતા અને ભવ્યતાનો સમન્વય સાધ્યો હતો. માનવતા માટેની તેમની સેવાઓએ અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે હું તેમની સાથે હોઉં ત્યારે ગુરુ-શિષ્ય કે પિતા-પુત્ર જેવો ભાવ થતો એટલો પ્રેમ તેમણે આપ્યો છે. હું તેમના ચરણમાં મારા વંદન કરું છું.
હિન્દુ ધર્મની દેશવિદેશમાં ધ્વજા લહેરાવી
મહોત્સવના સમાપનમાં મુખ્ય પ્રધાને જણાવ્યું કે, પ્રમુખસ્વામીએ દેશવિદેશમાં અનેક મંદિરો બનાવ્યા છે. હિન્દુ ધર્મની ધ્વજા તેમણે દેશવિદેશમાં ફરકાવી છે. સ્વામી વિવેકાનંદ પછી પ્રમુખ સ્વામીએ દુનિયામાં હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિનો બહોળો પ્રચાર પ્રસાર કર્યો છે.
મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે પ્રમુખસ્વામીથી આકર્ષિત થઈને ૧૧૦૦થી વધુ યુવાનોએ ઉત્તમ કારકિર્દી છોડીને આત્મકલ્યાણ અને ભગવાન સ્વામીનારાયણે સૂચવેલો માર્ગ અપનાવ્યો છે. એ માર્ગ પર ચાલીને સાધુ જીવનના મૂલ્યો પ્રસ્થાપિત પણ કર્યાં છે. પ્રમુખસ્વામી મહારાજે દુનિયાને માનવતાના પાઠ શીખવાડ્યા છે. ધર્મ-વિજ્ઞાનના મૂલ્યોનું સમન્વય કરનાર અને યુવાનોને સદાચારના પાઠ ભણાવનાર સંતની જન્મજયંતી પ્રેરણા આપનારો ઉત્સવ છે જે રાજકોટની ધરા પર ઉજવાયો તેનો મને આનંદ છે.
નીલકંઠવર્ણી મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા
૧૪મીએ કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરનો ૨૦મો પાટોત્સવ વિધિ તથા અભિષેકવિધિ સંપન્ન થયા હતા. જેમાં ભારતની ૨૦૦ નદીઓ અને સરોવરોના જળયુક્ત કળશો અને પંચામૃતથી ઠાકોરજીનો અભિષેક કરાયો હતો. નૂતન અભિષેક મંડપમાં નીલકંઠવર્ણી મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ મહંત સ્વામીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાઈ હતી. દસ વર્ષ પૂર્વે ઉપરોક્ત મંદિરના દશાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રમુખસ્વામીના હસ્તે ભગવાન સ્વામીનારાયણની તપોમય મૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ હતી.
૩૫ યુવાનોએ ભાગવતી દીક્ષા લીધી
૫૦૦ એકરમાં સર્જાયેલા સ્વામીનારાયણ નગરમાં પ્રમુખસ્વામીના ૯૮મા જન્મોત્સવનું સમાપન થયું તેમાં ૩૫ નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના હસ્તે ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી હતી. ભાગવતી દીક્ષા સમારોહમાં દીક્ષા ગ્રહણ કરેલા નવયુવાનોમાં અમરિકાના સાત અને કેનેડાના એક યુવાનનો સમાવેશ થાય છે. દીક્ષાર્થીઓમાં ૮ યુવાનો એમબીએ, એમઈ, સાત પોસ્ટ ગ્રેજ્યુએટ અને ૯ યુવાનો ગ્રેજ્યુએટ થયાં છે. આ ઉપરાંત ફિઝીયોથેરાપીસ્ટ, નર્સિંગ અને ઈજનેર એમ કુલ ૩૫ સુશિક્ષિત યુવાનોએ દીક્ષા લીધી હતી. દીક્ષાર્થીઓમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થતો હતો.

પૂર્ણાહુતિની ઝલક

• પાંચમી ડિસેમ્બરથી પ્રારંભાયેલા ૧૧ દિવસીય ઉત્સવની આશરે ૨૦ લાખ લોકો દ્વારા મુલાકાત
• અંતિમ દિને વિશ્વભરમાંથી બે લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
• પ્રમુખસ્વામીના દળદાર જીવનચરિત્ર ગ્રંથના પ્રથમ ભાગનું વિમોચન
• વચનામૃતની પ્રાચીનતમ અને દુર્લભ હસ્તપ્રતનું મહંતસ્વામીના હસ્તે પૂજન
• પ્રમુખસ્વામી મહારાજના પ્રાગ્ટ્ય સ્થાન ચાણસદથી ૩૧૫ કિ.મી.ની ભક્તિભાવપૂર્ણ પદયાત્રા કરીને ૭૮ યુવકો રાજકોટ સુધી આવ્યા અને એવી જ રીતે અગિયાર દિવસના મહોત્સવમાં વિવિધ સ્થળેથી અનેક ભાવિકો પદયાત્રા અને સાયકલ યાત્રા કરીને આવ્યા
• સ્વામીનારાયણ આરતીમાં મહંતસ્વામી મહારાજ, મહાનુભાવો તેમજ સભામાં ઉપસ્થિત લાખો હરિભક્તો દીપ આરતીમાં જોડાયા ત્યારે ટેલિવિઝન ચેનલ અને વેબકાસ્ટિંગનાં માધ્યમથી સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ માણી રહેલા લાખો ભક્તોએ પણ આ સમૂહ આરતીમાં જોડાઈને પોત-પોતાના ઘરોમાં આરતી ઉતારી હતી.

મહોત્સવની ઝાંખી

• સંતો-હરિભક્તો દ્વારા ‘રક્તદાન’ યજ્ઞમાં કુલ ૨૬૬૫ બોટલોનું રક્તદાન
• ૧૧ દિવસમાં ૬૨૫ સ્કૂલોના ૮૮,૦૦૦ વિદ્યાર્થીઓએ સ્વામીનારાયણ નગર નિહાળ્યું
• સેંકડો લોકો વ્યસન મુક્ત થયા
• ૨૫૦ ઓપરેશન માટે દર્દીઓના નામ નોંધાયા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter