વડાપ્રધાનનું સ્કૂબા ડાઇવિંગઃ દરિયાના પેટાળમાં પ્રાચીન દ્વારિકાના દર્શન

Wednesday 28th February 2024 04:44 EST
 
 

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દ્વારકાના દરિયામાં સાહસિક સ્કૂબા ડાઇવિંગ કરી, ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે, જેના કારણે મારી પ્રાચીન દ્વારિકાના દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી, જે સ્વપ્ન આજે પૂરું થયું છે.

‘આજરોજ ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો તથા ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકા નગરીને અર્પિત કરી ગૌરવ અનુભવુ છું. હું દેશકાજ કરવા સાથે દેવકાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દર્શન દરમિયાન 21મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખોમાં ઘૂમી રહી હતી. પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરી વિક્સિત ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે.’
સ્કૂબા ડાઇવિંગ કરી મૂળ દ્વારિકાના દર્શન કરી શકાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દર્શન દરમ્યાન 21 મી સદીમાં ભારતના દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો મારો સંકલ્પ મજબૂત થયો છે. સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમા વધુ એક મોતી ઉમેરાયું છે. પ્રવાસીઓ સ્કૂબા ડાઈવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે.
સૌરાષ્ટ્રના અરબી સમુના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉત્તેજન મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારકાના ઊંડા દરિયામાં સાહસિક એવું સ્કૂબા ડાઈવિંગ કરતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે.
ભગવાન વિશ્વકર્મા દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધાપૂર્વક નમન કરતા તેમણે ઉમેયું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહીં બિરાજમાન છે. અહીં જે થાય છે તે દ્વારકા ઈચ્છાથી થાય છે. આદિ શંકરાચાર્યએ અહીં શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂકમણી મંદિર અહીંના આસ્થાના કેન્દ્રો છે.
દ્વારકા નજીક પંચકુઈ બીચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેવીની સ્પેશ્યલ બોટમાં દરિયામાં ગયા હતા. જયાં સ્કૂબા ડાઇવિંગ માટેનું સ્થળ નિશ્ચિત કરવામાં આવ્યું હતું. સ્કૂબા ડાઈવિંગ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરપંખ પણ સાથે લઈ ગયા હતા. દરિયાનાં પેટાળમાં પ્રાચીન દ્વારિકાનાં બે હાથ જોડી દર્શન કરી, ઐતિહાસિક દ્વારકા નગરીની ચરણરજ માથે ચડાવી મોરપંખ અર્પણ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter