પોરબંદરઃ પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વિજયાબેન મોહનભાઈ કોટેચા હંમેશા અગ્રેસર રહે છે. તેમણે તાજેતરમાં શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરી પોતાના ૭૬મા જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો.
વિજ્યાબહેને પોરબંદરની તમામ શાળા-કોલેજની પરીક્ષાઓમાં પ્રથમ નંબર મેળવેલ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ગિફ્ટ આપીને સ્વ. મોહનભાઈ કોટેચાએ શરૂ કરેલા કાર્યોને આગળ ધપાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
શહેરની તાજાવાલા કન્યા છાત્રાલય ખાતે યોજાયેલા પ્રતિભા સન્માન સમારોહમાં સ્વામી ભાનુપ્રકાશજી, લંડનથી આવેલા રૂપલબેન તથા હિમાંશુભાઈ કોટેચા, લલીતભાઈ કોટેચા, આર્ય સમાજના પ્રમુખ એચ.કે. મોતિવરસ, રાજુભાઈ લોઢારી, પાલિકા પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, જેસીઆઈના ઝોન સેક્રેટરી લાખણશી ગોરાણીયા, ડો. ભરતભાઈ ગઢવી, ઘનશ્યામભાઈ મહેતા, પદુભાઈ રાયસુરા, અનિલભાઈ કારીયા, ભરતભાઈ રાજાણી, ભરતભાઈ પાઉં, હરીશભાઈ ગોહેલ, બિરાજભાઈ કોટેચા, ઇલાબેન ઠક્કર, હિરલબા જાડેજા વગેરે ખાસ ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને વિજયાબેનને આવા સત્કાર્યોમાં મદદરૂપ થવાની ખાત્રી આપી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિજયાબેન મોહનભાઈ કોટેચા ટ્રસ્ટના ટ્રસ્ટીજન બકુલભાઈ મદલાણી અને પિયુશભાઈ મજીઠીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ થાનકી અને કિરીટ રાજપરાએ કર્યું હતું.