વિશ્વવિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કલાગુરુ કાંતિભાઇ સોનછત્રાનું નિધન

Saturday 12th November 2022 05:54 EST
 
 

રાજકોટઃ વિશ્વવિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કલાગુરુ અને ગુજરાતનું ગૌરવ એવા કાંતિભાઇ સોનછત્રાનું ત્રીજી નવેમ્બરે રાજકોટસ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. કાંતિભાઇ સોનછત્રા પાસેથી પિયાનો અને કીબોર્ડ પર ભારતીય રાગ-રાગિણીઓ સાંભળવી એ લ્હાવો હતો. ઇન્ડિયન અને વેસ્ટર્ન કલાસિક્લ મ્યુઝિક પર એમણે ગહન સંશોધન કર્યું હતું. ગુજરાતી અને હિન્દી જ નહીં, બંગાળી ફિલ્મોમાં પણ તેમણે સંગીત પણ આપ્યું હતું.
કાલાવડ પાસેના વડાળા ગામમાં 1929માં રઘુવંશી પરિવારમાં જન્મેલાં કાંતિભાઇએ માત્ર 6 વર્ષની નાની વયે કોલકતા ખાતે સંગીત-સાધનનાઓ આરંભ કર્યો હતો. મેવાતી ઘરાનાના પંડિત મણિરામજી પાસેથી રાગ-રાગિણીઓ અને ખ્યાલ અંગની વ્યક્તિગત પ્રેરણા માર્ગદર્શન તથા પોરબંદરના વૈષ્ણવાચાર્ય ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજ પાસેથી હાર્મોનિયમવાદનમાં ઠુમરી અંગની નજાકત વિશે પ્રેરણા મળી હતી.
શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત કલાકારો પંડિત મણિરામજી (ગાયન), પંડિત રવિશંકર (સિતાર), ઉસ્તાદ અલ્લારખાં (તબલા) તેમજ ફિલ્મી સંગીતકાર નૌશાદ, મદન મોહન, વસંત દેસાઇ, જયદેવ, પંડિત શિવરામ, કલ્યાણજી શાહ એમને સાંભળવા તત્પર રહેતા હતા. અત્યંત વિનમ્ર અને મુદુભાષી કાંતિભાઇ સોનછત્રા 1988માં, ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયા હતા. 1958માં કોલકતા ખાતે ચાંદીના પત્ર પર આલેખાયેલા ખિતાબ મેજિશિયન ઓફ પિયાનોથી પણ તેમને સન્માનિત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter