વૃદ્ધવયે કર્યો ચાર વેદનો ગુજરાતીમાં અનુવાદ

Saturday 30th May 2015 08:13 EDT
 

ટંકારાઃ લોકો વૃદ્ધાવસ્થામાં કામ કરવાનું ટાળતા હોય છે ત્યારે ૮૧ વર્ષીય એક વૃદ્ધે અનોખું કાર્ય કર્યું છે. ડો. દયાળમુનિએ સતત છ વર્ષ સુધી દરરોજ ૧૦ કલાક કામ કરી ચાર વેદના ૨૦,૫૦૦થી વધુ શ્લોકોનો સામાન્ય નાગરિક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ કર્યો છે. તેમણે આ અનુવાદના આઠ ભાગ કર્યા છે, જેમાંથી છ ભાગ તૈયાર થઈ ગયા છે.

મૂળ ટંકારાના સામાન્ય દરજી પરિવારમાં જન્મેલા દયાળજી માવજી પરમારને ટંકારામાં દયાનંદ સરસ્વતીના આર્ય વિચારો પ્રત્યે લગાવ હોવાથી આર્યસમાજમાં જોડાયા હતા. સંસ્કૃત શીખવા માટે તેલના દીવાના અજવાળે મધરાત સુધી જાગી તેઓ આ આર્યભાષામાં પારંગત બન્યા હતા. ૧૫ વર્ષની ઉંમરથી તેમને વાંચનનો ખૂબ શોખ હતો.

આજે દયાળજીભાઈની ઘરની લાયબ્રેરીમાં અલભ્ય પુસ્તકો છે. દરજીકામનો પૈતૃક વ્યવસાય છોડીને તેમણે સંસ્કૃત અને આયુર્વેદનો અભ્યાસ શરૂ કર્યો હતો. સમય જતા તેમણે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદચાર્યની ડિગ્રી મેળવીને ત્યાં જ તેમણે કર્મભૂમિ બનાવી હતી. અત્યાર સુધીમાં ૫૧ પુસ્તકો લખનારા ડો. દયાળમુનિએ માત્ર ૨૦ વર્ષની ઉંમરે મહાભારતથી લઈ મહર્ષિ દયાનંદ સરસ્વતી સુધીના સમયમાં થયેલા ધાર્મિક આંદોલન વિશેનું પુસ્તક મહાભારતથી લઈને મહર્ષિ દયાનંદ તૈયાર કરી સ્વખર્ચે પ્રકાશિત કર્યું હતું.

આ વર્ષ ૧૦થી ૧૨ આની પાકશેઃ આ વર્ષ ૧૦થી ૧૨ આની પાકશે તેવો વરતારો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વરસાદ વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ વ્યકત કર્યો હતો. આ પરિસંવાદમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. મોટાભાગના આગાહીકારોએ હવામાન, ભડલી વાકયો, વનસ્પતિ, પવન, આકાશનો કશ તથા તાપ અને ભેજના આધારે આગાહી કરી હતી. તેમાં સર્વાનુમતે આગામી વર્ષ ૧૦થી ૧૨ આની થવાનો વરતારો નિકળ્યો હતો અને જૂન માસમાં બે તબક્કે વાવણી થશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ થશે. કોઇક વિસ્તારમાં અતિવૃષ્ટિની શક્યતા પણ દર્શાવી હતી. એકંદરે આગામી વર્ષ પ્રમાણમાં સારું રહેવાનો આશાવાદ વ્યકત કરાયો છે.

વરસાદે ભીમ અગિયારસે શુકન કર્યુંઃ સૌરાષ્ટ્રમાં એક તરફ આકરી ગરમીથી જનજીવન ત્રાહિમામ થયું છે, ત્યારે ૨૯ મેએ અમરેલી, સાવરકુંડલા અને ધારી પંથકમાં વરસાદી ઝાપટાં વરસતા ખેડૂતોએ ભીમ અગિયારસના શુકન માન્યા છે. મે માસ પૂરો થયો છે, જૂનમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય રીતે બેસી જાય છે. છેલ્લા કેટલાક દિવસથી સવારે વરસાદી વાદળોની જમાવટ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter