વેરાવળ મણિબહેન કોટક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની કૃતિ ગાંધીએ કમ્પ્યુટર એન્જિનિયરિંગની રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી ટેગિંગ કોડ ગ્લેડિયેટર્સ-૨૦૧૬ સ્પર્ધામાં ફિમેલ કેટેગરીમાં તાજેતરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. કૃતિ હાલના પૂણે ખાતે સોફ્ટવેર કંપનીમાં નોકરી કરી રહી છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રની દસેક હજાર કંપનીમાં કામ કરતા દોઢ લાખ જેટલાં કર્મચારીઓ વચ્ચે ટેગિંગ કોડ ગ્લેડિયેટર્સ-૨૦૧૬ની હરીફાઈ યોજાઈ હતી. એમાં ફિમેલ કેટેગરીમાં કૃતિ પ્રથમ આવી હતી.
• સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન ૩૩ નવી કોલેજોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલની મળેલી બેઠકમાં ૩૩ નવી કોલેજોના જોડાણ મંજૂર કરવા સિન્ડિકેટને ભલામણ કરવામાં આવી હતી. હવે આઠ-દસ દિવસમાં સિન્ડિકેટની બેઠક મળશે. કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નવી કોલેજો શરૂ કરવા માટે આવેલી જોડાણ અરજી અંગે સ્થાનિક તપાસ સમિતિના અહેવાલને ધ્યાનમાં લઇને ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરાઈ હતી.
• બે ઘોડાને ગ્લેન્ડર રોગ હોવાથી મારી નંખાયાઃ જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં રહેતા હમીદભાઈ સુલેમાનભાઈ સફિયાના બે ઘોડાને ગુમડા, ચામડીના વિચિત્ર રોગ તથા અલ્સરના રોગ થતા તેની સારવાર અપાઈ રહી હતી. આ અંગે સ્થાનિક અને રાજ્યના પશુપાલન વિભાગને જાણ થયા બાદ બન્ને ઘોડાના લોહીના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાતા તેઓને આ ગંભીર રીતે જોખમી અને ચેપી એવો ‘ગ્લેન્ડર’ રોગ થયાનું માલૂમ પડયું હતું. અન્ય પશુઓ કે માનવીને તેનો ચેપ લાગે નહીં તે માટે સરકારી તંત્રની મંજૂરી અને માર્ગદર્શન મુજબ, આ બન્ને ઘોડાને ઝેરી ઈન્જેક્શન વડે મારી નખાયા હતા અને જમીનમાં દાટી દેવાયાં હતા.
• સેવાભાવી ડો. તન્નાનું સન્માન થયુંઃ શહેરની સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરમાં નિઃસ્વાર્થભાવે તબીબી સેવા આપતા ૯૪ વર્ષીય તબીબ ડો. આર. જી. તન્નાનું સન્માન કરવાનો સમારોહ ચોથી જુલાઈએ યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ડો. કુમુદ ફિચડિયા, ચીમનભાઈ અઢિયા સહિતનાઓએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ડો. તન્નાની શહેર માટેની લાગણી છે તે સરાહનીય છે. ભૂતકાળમાં તેઓ દર્દીઓની સેવા માટે ગમે ત્યારે પગપાળા કે ઘોડાગાડીમાં જઈને તબીબી સેવા આપતા અને તેમની દવાઓ પણ રૂપિયામાં નહીં પણ પૈસામાં મળતી હતી. આજે ૯૪ વર્ષે પણ તબીબી સેવાઓ આપતા રહીને અનેક તબીબોને પ્રેરણા આપી રહ્યા છે ત્યારે ડો. તન્ના ખુદ હરતી-ફરતી ચેરિટેબલ સંસ્થા છે.
• બે નકલી દાંત ગળામાં ફસાતાં નવોઢાનું મોતઃ મૂળ કર્ણાટકની લાવણ્યાના છ મહિના પહેલાં જ રામોદમાં રહેતા નિલેશ નાથાણી સાથે લગ્ન થયાં હતાં. થોડાક સમય પહેલાં જ લાવણ્યાને બે નકલી દાંત નાંખવામાં આવ્યા હતા. ૩૦મી જૂને લાવણ્યા સવારે પાણી પીતી હતી ત્યારે તેના બે નકલી દાંત પાણી સાથે ગળામાં ઉતરીને ફસાઈ ગયા હતા. દાંત ગળામાં ફસાતાં લાવણ્યાને શ્વાસ લેવામાં તકલીફ થઈ. નિલેશભાઈ તેને સારવાર માટે તાત્કાલિક ગોંડલ અને પછી રાજકોટ સિવિલમાં લઈ ગયા, પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું.
• રાજકોટ જિલ્લા બેન્કે રૂ. ૭૩ કરોડનો નફો કર્યોઃ જામકંડોરણાના કુમાર છાત્રાલયમાં રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સામાન્ય સભા મળી હતી. જેનું દીપપ્રાગટ્ય રાજ્ય પ્રધાન જયંતીભાઈ ક્વાડિયા, રાજ્યપ્રધાન ગોવિંદભાઈ પટેલ, જશાભાઈ બારડ, જિલ્લા બેન્કના ચેરમેન, વિઠ્ઠલભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કરાયું હતું. રાજ્યપ્રધાને સરકારની ખેડૂતલક્ષી યોજનાની માહિતી આપી હતી. જ્યારે રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયાએ બેન્કની ૫૭મી વાર્ષિક સામાન્યસભાનો અહેવાલ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૧૮૪ શાખાનું નેટવર્ક છે. ગત વર્ષમાં ખેડૂતોને શૂન્ય ટકાના દરે રૂ. ૧૯૧૦ કરોડનું ધિરાણ કરાયું છે. આવા ધિરાણ ઉપર ખેતવિષયક મંડળીઓને એક ટકા મુજબ વ્યાજ આપવા છતાં બેન્કનો નફો રૂ. ૭૩ કરોડ થયો છે. સભાસદ મંડળીઓને ૧૫ ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. બેન્કની થાપણ રૂ. ૭૪.૭૭ કરોડ અને ધિરાણ રૂ. ૩૧૩૦ કરોડ છે.