વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

Sunday 28th April 2024 05:34 EDT
 
 

રાજકોટ: નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રવિવારે ઉમિયા માતાજી મંદિર-સિદસર મહિલા સંગઠન સમિતિ અને ડોક્ટરોના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘કેન્સરથી ડરે તે મરે’ કાર્યક્રમમાં આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં કેન્સરને લઈને ખોટી માન્યતા પણ દૂર કરવામાં આવી હતી.
સરદારધામ સલાહ કેન્દ્રના અધ્યક્ષ શર્મિલાબેન બાંભણિયાએ ક્રાંતિકારી નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે, વ્યસનને કારણે પરિવારને આર્થિક, સામાજિક નુકસાન અને આરોગ્યને અસર થાય છે. અત્યારે સમાજમાં નાની ઉમરમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. આથી કાર્યક્રમમાં બહેનો પાસે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો કે, જો તેમના ભાઈ, પિતા વ્યસન કરતા હોય તો પોતાના જન્મદિવસ કે રક્ષાબંધનની ઉજવણીમાં તેમની પાસે વ્યસન મૂકી દેવાની જ ભેટ માગવી. આમ, દરેક ઘરમાં વ્યસન ઓછું થશે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter