શાસનના પાંચ વર્ષની નહીં, પણ સેવાકાર્યોની ઉજવણીઃ રૂપાણી

Thursday 05th August 2021 05:02 EDT
 
 

રાજકોટઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે તેમના ૬૫મા જન્મદિવસની ઉજવણી માદરેવતન રાજકોટમાં કરી હતી અને સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ જ દિવસોમાં રાજ્યમાં તેમની સરકારના પાંચ વર્ષ પૂરા થયાની ઉજવણી પણ ચાલી રહી છે તેનો સંદર્ભ ટાંકતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ ઉજવણી સરકારને પાંચ વર્ષ પૂરા થયાની નહીં, પણ સેવાકાર્યોની ઉજવણી છે.
બીજી ઓગસ્ટ ૧૯૫૬ના રોજ યાન્ગોન (મ્યાંમાર)માં જન્મેલા વિજય રૂપાણી યુવાવસ્થાથી રાજકોટમાં સક્રિય રહ્યા છે. સોમવારે તેમનો જન્મદિવસ શહેરમાં કોરોનામાં અનાથ બનેલા બાળકો સાથે ગોષ્ઠિ કરી, સેલ્ફી લઈને, સાથે પંગતમાં બેસીને ભોજન લઈને ઉજવાયો હતો. જેમાં સચિવો, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર વગેરે પણ જોડાયા હતા. મુખ્ય પ્રધાને ભાવનગર રોડ પર તેમણે શરૂ કરેલા ગરીબ ભુલકાંઓના ઉત્થાન માટેના પૂજીત રૂપાણી ટ્રસ્ટની પણ મુલાકાત લીધી હતી. કાલાવડ રોડથી વાગુદડ જતા માર્ગ પર સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા મિયાવાકી જાપાનીઝ પધ્ધતિથી ૯૦૦૦ ચોરસ મીટરમાં ૧૧૧ પ્રકારના ૨૩,૪૭૫ વૃક્ષોનું વાવેતર કરાયું છે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી. અહીં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને વૃક્ષારોપણ કરીને હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં સઘન વૃક્ષારોપણ થાય તેના પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter