પાલીતાણાઃ ગોહિલવાડમાં આવેલો શેત્રુંજી ડેમ દેશ વિદેશના સહેલાણીઓ માટે ફરવા માટેનું અનોખું આકર્ષણ બની ગયું છે. ડેમમાં એક જૈન દેરાસર આવેલું છે. ત્યાં ધર્મશાળા તથા ભોજનશાળાની વ્યવસ્થા છે.
શેત્રુંજ્ય પર્વત માટે જાણીતા બનેલા પાલીતાણા શહેરથી ૧૨ કિ.મી. દૂર શેત્રુંજી જૈન યાત્રાધામ આવેલું છે. શેત્રુંજી ડેમની શિલારોપણ વિધિ સ્વર્ગસ્થ
વડા પ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે વર્ષ ૧૯૫૫માં થઈ હતી. ડેમના બાંધકામનો કુલ ખર્ચ રૂ. ૬૦ લાખ થયો હતો. શેત્રુંજી નદીની લંબાઈ ૧૬૧ કિ.મી.ની છે. શેત્રુંજી ગિરના જંગલમાં આવેલી ટેકરીઓમાંથી નીકળે છે. દરિયામાં મળતા અગાઉ અમરેલી તથા ભાવનગર જિલ્લામાંથી પસાર થાય છે. શેત્રુંજ્ય જળાશયના હેઠવાસમાં ૩૬-૮૦ કિ.મી. પછી તળાજા તાલુકાના સુલતાનપુર ગામ પાસે શેત્રુંજી નદી ખંભાતના અખાતને મળે છે. શેત્રુંજી ડેમનો કુલ સિંચાઈ વિસ્તાર ૭૬૦૦૦ હેક્ટર છે. આ સિંચાઈ યોજનાનો લાભ ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, પાલીતાણાના કુલ ૧૨૨ ગામોને મળે છે. પાલીતાણામાં યાત્રા કરવા આવતા યાત્રિકોમાંથી મોટાભાગના યાત્રિકો શેત્રુંજી ડેમ જોવા જાય છે. આ શેત્રુંજી ડેમ વિસ્તારને રાજ્ય સરકાર વિકસાવે તો પ્રવાસ કેન્દ્ર બની શકે.