સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 09th May 2018 07:23 EDT
 

• તાલાળામાં કેસર કેરીની હરાજીનો પ્રારંભઃ તાલાળા પંથકની કેસર કેરીની નવી સિઝનનો ત્રીજીથી તાલાળા માર્કેટિંગ યાર્ડમાં પ્રારંભ થયો હતો. યાર્ડમાં ત્રીજીએ દસ કિલોગ્રામના ૧૪,૧૦૦ કેસર કેરીના બોક્સ અલગ અલગ ગામના કેસર કેરીના ઉત્પાદક ખેડૂતો વેચાવા માટે લાવ્યા હતા. જેની જાહેર હરાજી થતાં સારામાં સારી કેસર કેરીને એક બોક્સનો ભાવ રૂ. ૬૮૦, નબળી કેરી રૂ. ૨૨૦ અને સરેરાશ ભાવ રૂ. ૩૭૦ રહ્યા હતા.
• ગોંડલના વિસ્તારોમાં કરાં સાથે ઝાપટુંઃ ગોંડલના આસપાસના વિસ્તારોમાં ચોથી મેએ સાંજે ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. જોતજોતામાં બરફના કરા વરસ્યા હતા અને નાનાથી મધ્યમ ઝાપટાં વરસી ગયા હતા.
• સોમનાથ આસપાસ માંસાહાર પર પ્રતિબંધ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની ત્રણ કિ.મી.ની ત્રિજ્યા વિસ્તારને શાકાહારી ઝોન (માંસાહાર પ્રતિબંધિત) જાહેર કરવાની હિન્દુ યુવા સંગઠન દ્વારા માગ કરાઇ હતી. જેને ધ્યાનમાં લઇને વેરાવળ-પાટણ પાલિકાએ કારોબારી બેઠકમાં સોમનાથ શાકાહારી ઝોન અંગે ઠરાવ પસાર કરી વેજિટેરિયન ઝોન બનાવવાની દિશામાં પ્રથમ ડગલું ભર્યું છે. જો કે, આ માગના અમલ માટે આખરી નિર્ણય (જાહેરનામું) જિલ્લા કલેકટરની મંજૂરી બાદ બહાર પડશે.
• ગુજરાતમાં સિન્થેટિક દૂધનું વેચાણઃ રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે થોડાક દિવસો પહેલાં ગુજરાતભરમાં દૂધના નમૂના લીધા હતાં જેની તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ડિટરજન્ટ સહિત વિવિધ કેમિકલ્સ નાંખી ભેળસેળિયું દૂધ રાજ્યમાં અનેક જગ્યાએ વેચવામાં આવી રહ્યું હતું. ગોંડલના વસાવડા ગામે આવું કેમિકલયુક્ત દૂધ વેચવામાં આવતું હોવાના પુરાવા મળ્યા છે. ગુજરાતમાં સિન્થેટિક દૂધ પકડાયા હોવાની પ્રથમ ઘટના બની છે જેના પગલે ફૂડ એન્ડ્ ડ્રગ્સ વિભાગ સહિત ખુદ સરકાર પણ ચોંકી ઉઠી છે.
• રાજકોટ મગફળીના ગોદામમાં આગઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી કરોડો રૂપિયાની મગફળી સંગ્રહવા માટે નાફેડ દ્વારા ગુજકોટ સહિત આઠ એજન્સીને કામગીરી સોંપાઈ હતી તેના ભાગરૂપે શાપરમાં નેશનલ કોટન નામના ખાનગી ગોડાઉનમાં કરોડો રૂપિયાની મગફળીના જથ્થામાં રવિવારે મોડી સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મંગળવારે પણ આગ કાબૂમાં આવી નહોતી. ૪૦ ફાયર ફાઇટરોએ ૪૦૦થી વધુ ફેરા પછી અંશતઃ આગ પર કાબૂ મેળવાયો છે. ગુરુવાર સુધીમાં આગ કાબૂમાં આવે તેવી શક્યતા છે. આ આગથી મગફળીમાં માટીની ભેળસેળ પણ કરાઇ હોવાના પૂરાવા મળ્યા છે. આખા બનાવમાં તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter