સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 26th September 2018 07:00 EDT
 

રિક્ષાચાલકની હત્યા પ્રકરણમાં ત્રણની ધરપકડ

રાજકોટઃ બજરંગવાડી વિસ્તારમાં રહેતો રિક્ષાચાલક જાવીદ ઘાંચી અને તેની પત્ની રેશ્મા કુતિયાણાના બાવળાવદર ગામે આવેલી દરગાહે દર્શન કરવા ગયા હતા ત્યારે રેશ્માની છેડતી થતાં જાવીદ અને કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રાજકોટના દિલીપ પટેલ અને બે અજાણ્યાઓએ જાવીદની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. તેવી ફરિયાદ રેશ્મા જાવીદ ઘાંચીએ પોલીસમાં કરતાં દિલીપ પટેલને ઝડપીને આકરી તપાસ કરતાં ખૂલ્યું કે, મૃતક જાવીદને રૂ. રપ હજાર ઉછીના આપ્યા હોઈ તેની ઉઘરાણીના ઝઘડામાં દિલીપ પટેલ અને તેના સાગરીતોએ દેવા ઉર્ફે દેવો અને સુદા રબારીએ જાવીદની હત્યા કરી હતી. એ પછી ક્રાઈમબ્રાંચે દેવા ઉર્ફે ભુટો મેરામ સુડાવદરા અને રબારી સુદા મીઠા કોડીયાતરને ઝડપીને કુતિયાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીંછિયાના વેપારી યુવાન પર ગોળીબારમાં બેની અટક

વીંછિયાઃ સામાજિક કાર્યકર અને વેપારી કોળી યુવાન મુકેશભાઇ રાજપરા પર ત્રણ વર્ષ જૂની અદાવતના કારણે તાજેતરમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાના કારણે વીંછિયામાં રોષપૂર્ણ વાતાવરણ સર્જાતાં જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ વીંછિયા પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવના મુખ્ય સૂત્રધાર કુલદીપ શિવકુભાઇ ખાચર અને સાયલાના સાંગુઇના રણજીત ઉર્ફે રણુભા વિસુભાઇ ધાંધલને મોટામાત્રા ગામેથી ઝડપી લેવાયા હતાં. જ્યારે ત્રીજા આરોપી દિલીપને સાયલા પોલીસે પકડી પાડયો હતો. તેનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવા પ્રયાસ શરૂ કરાયા છે.

ધોરાજીમાં મહંત લાલદાસબાપુનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

ધોરાજીઃ ધોરાજીમાં મહંત લાલદાસબાપુનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયાની ઘટના ૨૧મી સપ્ટેમ્બરે બની હતી. જામ કંડોરણા રોડ પર સફુરા નદીના કાંઠે આવેલા નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુની લાશ લોહીલોહાણ હાલતમાં બંધ રૂમમાંથી મળી આવી હતી. આશ્રમની પાસે લોહીના ડાઘ અને બળેલા કપડાં મળી આવ્યા હોવાથી મહંતની હત્યા કરાયાની શંકા વ્યકત કરાઇ છે.
ધોરાજી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવેલા જિલ્લા પોલીસ વડા બલરામ મીનાને મૃત મહંતના ભાઈ ટપુરામબાપુએ ઉગ્ર થઈને કહ્યું હતું કે, મારા ભાઈની હત્યા જ થઈ છે. તપાસ કરો નહીંતર હું ગાંધીનગર જઈશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter