સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 15th April 2020 07:29 EDT
 

• પ્રસૂતાને હાથલારીમાં દવાખાને લઈ જવાઈ!: કચ્છમાં ૧૦મી એપ્રિલે એક મહિલાને પ્રસવ પીડા ઉપડયા બાદ દવાખાને લઈ જવા માટે વાહન કે એમ્બ્યુલન્સ ન મળતા હાથલારીમાં બેસાડીને તેને લઈ જવાની સ્થિતિ આવી હતી. આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં વ્યથા વ્યક્ત કરતા યુવાને જણાવ્યું હતું કે, તે ભુજની રામનગરીમાં રહે છે. તેણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હતો, પરંતુ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહોતો કે એમ્બ્યુલન્સ પણ આવી નહોતી, પરિણામે તે આવી રીતે મહિલાને લઈને હોસ્પિટલ રોડ સ્થિત ખાનગી દવાખાને લાવ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ટીકાનું કેન્દ્ર બની હતી.
• એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનું વેચાણઃ રાજકોટમાં પૂર્વ કોંગી કોર્પોરેટર નટુભાઇ કણસાગરાના પુત્ર સંચાલિત શ્રીનાથજી સુપર માર્કેટમાં એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
• દવાના બહાને રખડપટ્ટીઃ ડીજીપી શિવાનંદ ઝાએ ૧૧મી એપ્રિલે બેદરકાર પ્રજાનું ઉદાહરણ આપતાં કહ્યું કે, રાજકોટમાં મયૂર પરમાર નામનો યુવક ૩ દિવસમાં ૨૧ વખત બહાર ફરતો જોવા મળ્યો હતો. દરેક વખતે પોલીસે પૂછપરછ કરી તો તેમણે દવા લેવા જવાનું બહાનું કાઢ્યું હતું. ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સોફ્ટવેરની મદદથી પોલીસે યુવાનને ટ્રેસ કર્યો હતો અને તેની દરેક મૂવમેન્ટ ઉપર નજર રાખી હતી. તે ખોટા બહાના દર્શાવીને બહાર નીકળ્યો હોવાનું જણાતા તેની સામે કાર્યવાહી કરાઇ છે.
• વેરાવળમાં ૭ હજારથી વધુ ખલાસી ફસાયાઃ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર થયા બાદ જ વેરાવળ બંદરમાં ૪૨૦૦થી વધુ ફિશિંગ બોટ લાંગરી દેવાઈ છે. આ બોટોમાં કામ કરતા આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૭ હજારથી વધુ પરપ્રાંતીય ખલાસીઓ કોરોના અને લોકડાઉનના કારણે ફસાયા હોવાનું જાણવા મળે છે. આ ખલાસીઓએ વતન પરત જવા અગાઉ હોબાળો પણ કર્યો હતો જોકે તંત્રએ વ્યવસ્થા કરતાં સૌ બોટમાં જ રોકાયા છે. ફિશરીઝ અધિકારીઓ જણાવે છે કે, વેરાવળ બંદરમાં હાલમાં આંધ્ર પ્રદેશના ૨૭૭૦ મહારાષ્ટ્રના ૧૦૫૦, વલસાડ-ઉંમરગાંવના ૩૦૦૮ અને ભાવનગરના ૨૨૧ ખલાસી છે. તેમને સતત સમજાવતા રહેવું પડે છે કે આ પરિસ્થિતિમાં વતન જવું હિતાવહ નથી.
• માર્કેટ યાર્ડના વેપારીઓ-એજન્ટોને પાસઃ લોકડાઉનને કારણે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ થયા પછી ગોંડલ યાર્ડને લોકડાઉન સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. એ પછી વેપારીઓ અને એજન્ટોની બેઠક બાદ ૧૩મી એપ્રિલે જાહેરાત કરાઈ હતી કે, રાજકોટ અને ગોંડલ યાર્ડના વેપારીઓ સીધા ગામડે ગામડે જઇને ખેડૂતો પાસેથી ખરીદી કરશે. આ માટે તેમને પાસ પણ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter