સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 06th September 2017 10:01 EDT
 

જૂની કરન્સી બદલવાના કૌભાંડમાં ચતુર્ભુજ સ્વામી સામે આરોપ

સુરત: સુરતના જમીન દલાલ ભરતભાઈ પટેલે નોટબંધી બાદ જૂની કરન્સીના બદલામાં દેશમાં ચાલતી કરન્સી મળી રહે એવા ઈરાદે ગોંડલ, ફરેણી ગામે આવેલા સ્વામીનારાયણ સંસ્કારના ચતુર્ભુજ સ્વામીને રૂ. ૨.૫૧ કરોડની રકમ આપી હતી. જમીન દલાલે રૂ. ૨.૫૧ કરોડની રકમ જયંતી કોટડિયાને આપી અને તેણે જયેશે ચિરાગને આપી હતી. ચિરાગે ગોંડલના ચતુર્ભુજ સ્વામીને આ રકમ આપી હતી. કરોડોની રકમ ચતુર્ભુજ સ્વામીએ લઈને અઠવાડિયામાં જ નવી નોટો આપવાનો વાયદો કર્યો હતો. ત્રણ મહિના ઉપરનો સમય થવા આવ્યો હોવા છતાં રકમ ન મળતાં વિવાદ વકર્યો હતો. છેવટે ભરત પટેલે સ્વામી સહિત ૪ સામે સરથાણા, સુરત પોલીસમાં અરજી આપી છે.

કમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ સુબોધ મહેતાનું નિધન

ભાવનગરઃ ગુજરાત રાજયમાં ગરીબ અને કામદારો માટે આજીવન લડત ચલાવનારા કમ્યુનિસ્ટ પાર્ટીના કેન્દ્રિય કારોબારી સભ્ય અને રાજય પ્રધાન તેમજ સીઆઇટીયુના રાષ્ટ્રીય નેતા કોમરેડ સુબોધ મહેતાનું ભાવનગરની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ ૯૨ વર્ષે નિધન થયું હતું.
કોમરેડની આગેવાનીમાં ભાવનગર નગરપાલિકામાં પ્રથમવાર સીપીએમ સત્તામાં આવી હતી અને તેનાં પ્રથમ પ્રમુખ નીરુબહેન પટેલ બન્યાં હતાં. ઉપરાંત જિલ્લાના પાલીતાણા વિધાનસભાની બેઠક ઉપર પણ સીપીએમના ઉમેદવારનો વિજય થયો હતો. કામદારોના પ્રશ્નો તેમજ ભાવનગરના વિવિધ પ્રશ્નોને લઇ હંમેશા કેન્દ્ર અને રાજય સરકાર સામે આંદોલનો કર્યાં હતાં. ભાવનગરને બ્રોડગ્રેજ લાઇન માટે તેઓએ સર્વપક્ષીય પ્રતિનિધિની કેન્દ્ર સરકારમાં રજુઆત સમયે કેન્દ્રના સીપીએમના વરિષ્ઠ નેતાઓ સમક્ષ કેન્દ્રમાં સીપીએમના સમર્થનવાળી સરકાર ઉપર રજૂઆત કરવા ભાર મૂકયો હતો. તેઓએ માત્ર ભાવનગર જિલ્લા નહીં, પરંતુ અમદાવાદથી સમગ્ર રાજ્યમાં કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઇ રાજય સરકાર સામે લડત ચલાવી હતી. કોમરેડ સુબોધ મહેતાની સીપીએમના રાષ્ટ્રીય પોલીટ બ્યુરો (કારોબારી સભ્ય) તરીકે તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક સીપીએમની રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા કરાઈ હતી. તેમના નિધન પછી ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમનાં પુત્ર અને સીપીએમના રાજ્ય પ્રધાન કોમરેડ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે, મારા પિતાનીઇચ્છા અનુસાર તેમનું ચક્ષુ અને દેહદાન કરાયું છે.

પાંચ વર્ષના પુત્રને ફાંસો દઈને પિતાનો આપઘાત

રાજકોટઃ લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિક સામાનનો શો-રૂમ ધરાવતા પરેશભાઈ દિનેશભાઈ સાગઠિયા (ઉ.વ. ૩૫)એ સાડા પાંચ વર્ષના પુત્ર હેમાંકને દોરડાથી ફાંસો દીધા પછી પોતે પણ આપઘાત કર્યો હતો. સુખી સંપન્ન, પરિવારના પરેશભાઈનાં પત્ની કિરણબહેને એક માસ પહેલાં જ બીજા પુત્રને જન્મ આપ્યો છે. સુવાવડ માટે પિયર જૂનાગઢ ગયેલી પત્ની અને બીજા પુત્રને મળવા ગયેલા પરેશભાઈ બીજીએ રાત્રે મોટા પુત્ર હેમાંકને લઈને પરત આવ્યા પછી આવું પગલું ભરી લીધું હતું. આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં ૩-૪ વર્ષ પહેલાંની આર્થિક લેવડ દેવડની અસ્પષ્ટ વિગતો લખી હતી. આ મામલે ડર હોવાથી આવું પગલું ભર્યાનો અને પુત્ર હેમાંક તેને અતિશય વહાલો છે, તેના ગયા પછી આવું વહાલ કોઈ આપી નહીં શકે એટલે તેને સાથે લઈ જઉં છું તેવો ઉલ્લેખ નોટમાં કર્યો હતો.

૮૦ કલાક તર્યા બાદ ખલાસીનો બચાવ

ડોળાસા: પોરબંદરના મધદરિયે ભારે વરસાદ અને ઝંઝાવાતી પવનમાં ફસાઈને પોરબંદરની ‘જય ખોડિયાર’ નામની બોટ તૂટી પડતાં તેના ૬ ખલાસીઓ ગુમ થયા હતા. ગીરગઢડાનો ઓસમાણ યુસુફ બેલીમ ૮૦ કલાક દરિયામાં તરતા રહીને ચોથીએ મળી આવ્યો હતો. તે બચી જવા પામ્યો છે. જોકે અન્ય ખલાસીઓ શબ્બીરભાઈ ચુડાસમા, હુસેનભાઈ સેતા, રામભાઈ ગોહિલ (તમામ ડોળાસા) તથા સમીર પરવેઝ બેલીમ (૨૪), યાકુબ ઈબ્રાહિમ બેલીમ (૩૨) ઉના અને
કાજી ફવુસભાઈ (દેલવાડા) હજુ ગુમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter