સક્કરબાગ ઝૂમાં બે સિંહણે પાંચ દિવસમાં કુલ ૧૦ બચ્ચાંને જન્મ આપ્યો

Tuesday 14th April 2020 07:19 EDT
 
 

જૂનાગઢઃ ત્રાકુડા નામના નર સાવજ થકી બે સિંહણ ગર્ભવતી બની હતી. ૧૩મી એપ્રિલે વન વિભાગે જણાવ્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ડી-વન તરીકે ઓળખાતી સિંહણને ૬ બચ્ચાં જ્યારે ડી-ફોર તરીકે ઓળખાતી સિંહણને ૪ બચ્ચાં જન્મ્યાં છે. ડી - ફોરનાં ચારેય બચ્ચાં નર છે. વન વિભાગે જણાવ્યું કે, ડી-વન પણ તેના છએ બચ્ચાંની બરાબર સંભાળ રાખી રહી છે. આમ છેલ્લા ૧૦ દિવસમાં ૨૧ સિંહબાળ ગીરની ગોદમાં રમતા થયા હોવાનું પણ ૧૩મી એપ્રિલે વન વિભાગે જાહેર કર્યું હતું. આ ઉપરાંત તમામ ૨૧ સિંહબાળ સ્વસ્થ છે અને સિંહણના ખોરાકમાં વધારો કરાયાનું પણ ઝૂ ઓથોરિટીએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છ એક વર્ષ પહેલાં અમરેલીના ત્રાકુડા વિસ્તારના જંગલમાં એક સિંહને પગમાં ઇજા થતાં સારવાર માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લવાયો હતો અને સાજો થયા બાદ તેની ઇજા કાયમી હોવાથી ફરી જંગલમાં છોડી શકાય એમ નહોતો. આથી તેનો ઉપયોગ સંવર્ધન માટે કરવા તેને અહીં જ રખાયો અને ત્યારથી તેનું નામ ત્રાકુડા જ પડી ગયું. અત્યાર સુધીમાં તેના થકી અનેક સિંહણોએ ગર્ભાધાન કર્યું છે અને અસંખ્ય સિંહબાળનો તે પિતા છે. વર્ષ ૧૯૯૮થી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સહયોગથી એશિયાટિક સિંહોનું સક્કરબાગ ઝૂમાં સંવર્ધન થઇ રહ્યું છે.
સક્કરબાગનો બીજો રેકોર્ડ
વાઇલ્ડ લાઇફમાં સિંહબાળોનાં જન્મથી શક્યતઃ બે રેકોર્ડ નોંધાયા છે. એક તો ડી-વન સિંહણે ૮મી એપ્રિલે સિંહબાળને જન્મ આપ્યા પછી ડી ફોર સિંહણને પણ સિંહબાળ જન્મ્યા એ અને ૧૦ જ દિવસમાં એક જ ઝૂમાં ૨૧ સિંહબાળોએ જન્મ લીધો એનાથી બીજો રેકોર્ડ બન્યો છે. આ રેકોર્ડ આગામી દિવસોમાં તૂટી પણ શકે એવી પણ શક્યતા છે.
૬૦૦થી વધુ સિંહ પર ૨૪ કલાક નજર રખાય છે
માનવીમાં કોરોનાને પગલે અડધી દુનિયા લોકડાઉન થઇ ગઇ છે. ત્યારે અમેરિકાના ન્યૂ યોર્કના ઝૂમાં એક વાઘણમાં કોરોના પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા છે. આથી ભારતમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશના તમામ ઝૂમાં બિલાડી કૂળના પ્રાણીઓ, વાનર અને તેના કૂળના પ્રાણીઓના પાંજરાને ડીસ ઇન્ફેક્ટન્ટ કરી તેઓ પર ૨૪ કલાક દેખરેખ રાખવાની સૂચના આપી છે. આ સૂચનાને પગલે ગીર વિસ્તારના તમામ ઝૂ, સફારી પાર્ક, એનિમલ કેર સેન્ટર વગેરેમાં સિંહ, વાઘ અને દીપડાના પાંજરા ડીસ ઇન્ફેક્ટ કરી તેના કેર ટેકરને પણ સેનેટાઇઝ કરવાની સૂચના છે. આ સાથે જંગલમાં ફરતા ટ્રેકરને પણ સિંહ-દીપડાને કોરોનાના લક્ષણો જણાય તો તુરત ઉપરી અધિકારીને જાણ કરવાની સૂચના જારી કરાઈ છે. દરમિયાન ૬૦૦થી વધુ સિંહ પર તેમના સ્વાસ્થ્ય માટે ૨૪ કલાક નજર રખાઈ રહી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter