સગાઈ કરીને આવતા પરિવારના ટ્રકને અકસ્માતઃ ૭ જણાનાં મૃત્યુ

Wednesday 27th June 2018 08:12 EDT
 
 

રાજુલાઃ મહુવા તાલુકાના જાદરા ગામનો કોળી પરિવાર ઉના તાલુકાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાંથી ટ્રકમાં આવી રહ્યો હતો. નિંગાળા પાસેના સાંકડા પુલ પરથી ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક ૧૫ ફૂટ નીચે ખાબક્યો હતો. આ અકસ્માતમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આશરે ૪૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક જ્યાં ખાબક્યો ત્યાં પાણી અને કાદવ હતો અને લોકોની બૂમાબૂમથી નિંગાળાના સરપંચ હરસુરભાઈ લાખાણોત્રા સહિત ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા. ૧૦૮ને બોલાવીને ઘાયલોને દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા.

બચાવ કામગીરી જહેમતભરી

ખાડામાં કિચડ હોઈ બચાવ કામગીરી ખૂબ જહેમતભરી બની હતી. રાજુલાનાં સરકારી દવાખાનામાં પૂરતો સ્ટાફ ન હોવાથી ખાનગી તબીબોની સેવા પણ લેવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાંથી ૩ને વધુ ઇજા જણાતા મહુવા રીફર કરાયા હતા. રાજુલાનાં ધારાસભ્ય અંબરીશ ડેર, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ટેકેદારો, રાજુલાના પાર્થ ગ્રુપ દ્વારા નવ એમ્બ્યુલન્સની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ હતી.

ફોર ટ્રેકનું કામ ગોકળ ગતિએ

ઉલ્લેખનીય છે કે, ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ૮ અત્યારે ફોર ટ્રેકમાં ફેરવાઈ રહ્યો છે પરંતુ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. રાજુલાથી મહુવા સુધી ઠેકઠેકાણે ઉંડા ખાડા છે. ગમે ત્યાં પથ્થર ઠલવાયા છે. આ કારણે નાના અકસ્માત તો અનેક બનતા રહે છે. થોડા દિવસ પહેલા બે બાઇકસવારનાં આ વિસ્તારમાં મૃત્યુ નિપજ્યા હતા.

મૃતકોના નામ

૧ હરેશભાઈ રમેશભાઈ (ઉ. ૧૨, માળિયા) ૨. જયસુખભાઈ રમેશભાઈ (ઉ. વ. ૧૭, માળિયા), ૩. ભાનુબહેન રમેશભાઈ (ઉ. વ. ૩૬, માળિયા), ૪. શોભાબહેન રમેશભાઈ (ઉ. વ. ૧૪, માળિયા), ૫. કેસરબહેન શામજીભાઈ (ઉ. વ. ૬૦, જાદરા) ૬. ભરતભાઈ લાખાભાઈ (ઉ. વ. ૩૬, મોટાજાદરા) ૭. સમજુબહેન અરજણભાઈ (ઉ. વ. ૫૦, દુધેરી).


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter