સમૂહ લગ્ન બાદ નાત જમાડવાનું બંધ કરો, રૂપિયા ઉછળતા હોય તો સારા કામમાં આપો: મોદી

Wednesday 09th November 2022 05:46 EST
 
 

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એક જ પખવાડિયામાં બીજી વખત ગોહિલવાડની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે શહેરમાં લાખાણી પરિવાર દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. રોડ શો બાદ તેઓ ‘પાપાની પરી’ સમૂહ લગ્નોત્સવના સ્થળે પહોંચ્યા હતાં, જ્યાં તેમણે 552 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.
આ લગ્નોત્સવમાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘પહેલા ચડસાચડસીમાં દેવું કરીને પણ લોકો ધામધૂમથી લગ્ન કરાવતા હતા. ધીરે ધીરે સમાજમાં જાગૃતિ આવી અને સમૂહ લગ્નનો રિવાજ ઉભો થયો. ગુજરાતે સમૂહ લગ્નો તો સ્વીકાર્યા છે, પરંતુ પછી એવું પણ થાય છે કે સમૂહ લગ્નો તો થાય, પણ પછી ઘરે ગયા બાદ મનમાં કીડો સળવળે. સમૂહ લગ્ન બાદ નાતનું કંઇક કરવું પડે તેવા વિચારો મનમાં આવે. નાતને જમાડવી પડે તેવા વિચારો આવે. એટલે મુસીબતો શરૂ થાય. ઘરે ગયા બાદ બીજો ભોજન સમારોહ થાય. તમે આવું ન કરો, દેવાના ડુંગરમાં ન ડૂબો. જો પૈસા ઉછળતા જ હોય તો સારા કામ માટે મૂકી રાખો, તમારા સંતાનોના ભવિષ્ય માટે કામ આવશે. આટલી પવિત્રતાથી તમારી સંસાર યાત્રા શરૂ થતી હોય તો આવું ન કરો.’ મોદીની આવી લાગણીભરી અપીલને સમૂહ લગ્નોત્સવમાં હાજર લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી.
ભાવનગરમાં ‘પાપાની પરી’ સમૂહ લગ્નનું જવાહર મેદાનમાં રંગેચંગે આયોજન કરાયું હતું. જેમાં માતા-પિતા પૈકી કોઇ એક કે બન્નેની છત્રછાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઓના લગ્ન યોજાયા હતા. ઉદ્યોગપતિ દિનેશભાઇ લખાણી અને સુરેશભાઇ લખાણી પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. એટલું નહિ, સમૂહ લગ્નમાં દીકરીઓને કુલ 103 વસ્તુઓ મળીને રૂપિયા 2 લાખ ઉપરાંતનો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter