સુરેન્દ્રનગરઃ દસાડા તાલુકાના સવલાસમાં આવેલી જૈનુદ્દીન રુકનુદ્દીનની દરગાહમાં દર વર્ષે હિન્દુ ભજનિકો સંતવાણીનો કાર્યક્રમ કરે છે. આ સંતવાણીમાં ગામના હિન્દુ મુસ્લિમો સહિત ૨૦૦૦થી પણ વધુ લોકો ભાગ લે છે. હિંદુઓના ભજનની આ પરંપરા પાછળ પણ એક ઇતિહાસ છુપાયેલો છે.
ગામના વડીલ માલાજી મલેકના જણાવ્યા અનુસાર ૩૦૦ વર્ષ પહેલાં જૈનુદ્દીન રુકનુદ્દીન હજ પર જતા હતા ત્યારે તેમનો કાફલો ગામના બગીચામાં આરામ કરવા રોકાયો. બગીચાના માળીએ આ મુસ્લિમ ભાઇઓના ઊંટ, ઘોડાઓએ બગીચાને નુકસાન કર્યાની ફરિયાદ પાટડી રાજાને કરી.
રાજાએ પાટડી સ્ટેટના ભાણેજ દુદાજી અને હમીરજીને ઘટનાની તપાસ માટે મોકલ્યા. દુદાજી અને હમીરજીને માલૂમ પડ્યું કે, જૈનુદ્દીન અને રુકનુદ્દીનના કાફલાથી બગીચાને નુક્સાન થયું નથી. બંનેએ આ વાત રાજાને કહી, પણ રાજાને સંતોષ ના થતાં જૈનુદ્દીન રુકનુદ્દીનને પાઠ ભણાવવા રાજાએ સૈનિકો મોકલ્યા. દુદાજી અને હમીરજીએ ખુદે પાટડી સ્ટેટના સૈનિકોને પડકાર્યા કે આ સંત જેવા માણસો છે તેમને મારતા પહેલાં તમારે અમને મારવા પડશે.
આથી આ સ્થળે ભારે ધિંગાણું થયું અને જેમાં જૈનુદ્દીન રુકનુદ્દીન તથા હમીરજી તથા દુદાજી માર્યા ગયા. આ ધિંગાણામાં બધાની લાશો બિછાઈ એટલે ગામનું નામ સબલાસ પડયું જે અપભ્રંશ થઇને સવલાસ તરીકે ઓળખાય છે. દરગાહના મુજાવર હકિમશાહ કહે છે જે આજે જૈનુદ્દીન રુકનુદ્દીનની દરગાહ છે. તેમજ તેની બાજુમાં હમીરજી અને દુદાજીનું પણ સ્થાનક છે. આ દરગાહમાં ૧૫૦ વર્ષોથી નામી કલાકારો દ્વારા નરસિંહ મહેતા, ગંગાસતી અને મીરાંબાઈના ભજનો ગવાય છે.