મૂળ રાજસ્થાનના વિસનદાસ હોલારામ લખી પરિવાર વતી દિલીપ લખીએ અગાઉ આપેલાં સુવર્ણના દાનમાંથી સોમનાથ મંદિરનાં ગર્ભગૃહ, શિવલિંગનું માથું, શિખર પરના ત્રિશૂલ અને ડમરુ વગેરેને સુવર્ણથી મઢાયા પછી ગત અધિક માસમાં ફરી દિલીપ લખીએ મંદિરને રૂ. ૧૦.૮૧ કરોડના ૪૦.૨૭ કિલો સોનાનું દાન કર્યું હતું. જેમાંથી મંદિરમાં અનેક વસ્તુઓને સોનેથી મઢાઈ હતી. હવે સોમનાથ મહાદેવ મંદિરના દ્વારને સોનાથી મઢવા માટે દાતાઓ સુવર્ણનું દાન કરી રહ્યા છે. નોંધનીય છે કે સહસ્ત્રાબ્દિ બાદ સોમનાથ મંદિર સોનેથી મઢાઈ રહ્યું છે.
• ફિલ્મમેકર મેહુલકુમારને છ મહિનાની જેલની સજા પર સ્ટેઃ ફિલ્મમેકર મેહુલકુમારને છ મહિનાની જેલની સજા પર સ્ટેઃ જામનગરની આરકેડીયા શિપિંગ કંપની સાથે પૈસાની લેણાદેણી મામલે શિપિંગ કંપનીના મેનેજર જગદીશ જીવરાજભાઈએ મૂળ જામનગરનાં વતની ફિલ્મમેકર મેહુલકુમાર સામે વર્ષ ૨૦૦૮માં જામનગરની કોર્ટમાં રૂ. ૬૩૮૦૫ની રકમનો ચેક પાછો ફર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં કોર્ટે મેહુલકુમારને છ મહિનાની જેલ અને રૂ પાંચ હજારના દંડની સજા ફટકારી છે. જોકે મેહુલકુમારે હાઈ કોર્ટમાં આ કેસ અંગે અરજી કરતાં સજા સામે સ્ટે મેળવ્યો છે.
• ચમારડીમાં સમૂહલગ્ન - રક્તદાન શિબિર સંપન્નઃ બાબરા તાલુકાના ચમારડીના વતની અને સુરતમાં વસતા ઉદ્યોગપતિ ગોપાલ ચામરડી અને જી. પી. વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે ચામરડીમાં ૧૦૦ કન્યાઓના સમૂહલગ્નની સાથે રક્તદાન કેમ્પનું આયોજન ૩૦મી એપ્રિલે કરાયું હતું. રક્તદાન કેમ્પ બાદ અમરેલી જિલ્લાના અને બાબરા તાલુકાના આગેવાનોનું રક્તતુલાથી સન્માન કરાયું હતું. ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ૧૦૦૮ કન્યાઓના સમૂહલગ્નો સંકલ્પ અમે સાથે મળીને કર્યો છે. આ સમૂહ લગ્નમાં ૫૦ હજાર જાનૈયા અને માંડવિયા ઉપસ્થિત હતા. રક્તદાન કેમ્પમાં રેકર્ડબ્રેક ૩૦૦૦ બોટલ રક્ત એકત્ર કરાયું હતું.