રાજકોટઃ ૧૬૦૦ લોકોની વસ્તી અને ૩૦૦ લોકોનો પરિવાર ધરાવતા રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ૧૫૦ વર્ષથી કોઈના ઘરે ઝાંપો કે ખડકી રાખવાનો રિવાજ નથી. નવાઈની વાત એ છે કે તેમ છતાં ગામમાં ચોરીનો એક પણ બનાવ બન્યો નથી. બધાના મકાન ખુલ્લા ચોગાનમાં આવેલા હોવાથી દૂરથી પણ ઘરની પરસાળ જોઈ શકાય છે.
સામાન્ય રીતે ગામડાઓમાં મકાનો બનાવવાની પ્રચલિત પ્રથામાં આગળ એક રસ્તા જેવો ભાગ હોય છે જેના પર લાકડા કે લોખંડની બનાવેલી ખડકી કે મોટી જગ્યા હોય તો ડેલું પણ મુકાય છે ત્યાર બાદ મુખ્ય ઘરનો ભાગ શરૂ થાય છે. પહેલાંના જમાનામાં ડેલીનો ઉપયોગ મહેમાનને બેસાડવા માટે પણ થતો હતો. આજે પણ ભારતના મોટા ભાગના ગામડાઓમાં અંગતતા સચવાય અને ચોરી લૂંટફાટ ન થાય તે માટે ડેલી, ખડકી કે ઝાંપો હોય છે, પરંતુ આ પ્રકારના મકાનોમાં સાતડા ગામના એક પણ ઘરનો સમાવેશ થતો નથી. આ ગામ પેંડા માટે પ્રખ્યાત એવા કુવાડવા ગામ પાસે આવેલા રાજકોટ ચોટીલા હાઈવેથી માત્ર ૪ કિ.મી. દૂર આવેલું છે. હાઈવે નજીક હોવાથી અલગ પ્રાંતના પણ મજૂરો આવીને વસે છે તેમની પણ એક પણ વસ્તુ આઘી પાછી થતી નથી.
નવાઈ પમાડે તેવી બીજી વાત તો એ છે કે તાજેતરમાં ગામના એક નાગરિકે રૂ. ૫ હજારનો ખર્ચ કરીને ઘરની આગળ રક્ષણ માટે ઝાંપો મૂક્યો તો તેના ઘરે અપવાદ રૂપે ચોરી થઈ હતી. ત્યાર પછી તો ગામમાં આજ સુધી કોઈ માણસે ઝાંપો કે ડેલી મૂકવાની હિંમત કરી નથી.
શા માટે આ પ્રથા પડી છે તેનું કારણ જણાવતા ગામના માજી સરપંચ મનસુખભાઈ કહે છે કે, ગામમાં ભૈરવદાદાનું મંદિર છે. ગામ લોકો માને છે કે આ દેવની કૃપા હોવાથી ઘરોનું રક્ષણ કરવા માટે ઝાંપો કે ખડકી રાખવાની જરૂર પડતી નથી. ગામના લોકો ખેતી, ખેત મજૂરી તથા પશુપાલન કરીને જીવન ગુજારે છે. ગામના લોકો દર ત્રણ વર્ષે સાથે બેસીને ગામથી ૨ કિ.મી. દૂર આવેલા ભૈરવદાદાના મંદિરે ભેગા થઈને ઉત્સવ ઊજવે છે. જેમાં આજુબાજુના ઝેપર, જીવાપર જેવા ગામોના લોકોને પણ આમંત્રણ આપવામાં આવે છે. કોઈપણ પ્રકારના ઊંચનીચના ભેદભાવ વિના આખા ગામમાંથી ઉઘરાવવામાં આવેલા ઘઉંમાંથી લાપસી બને છે. તેમજ મગની દાળ અને સુખડીનો પણ પ્રસાદ ચડાવવામાં આવે છે અને ગામલોકો ભૈરવદાદા પાસે અરજ કરે છે કે તેમની ગામ પર કૃપા રહે અને ચોરીના બનાવો ન બને.