અમરેલીઃ પૂર્ણા નદીમાં એસ ટી બસ ખાબકતાં ડ્રાઈવર સહિત ૪૨ મુસાફરોનાં મોતના સમાચારના દસેક દિવસના ગાળામાં જ સાવરકુંડલામાં ૧૩મી ફેબ્રુઆરીએ રાજ્ય પરિવહનની વધુ એક બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બસમાં આશરે ૬૫ જેટલા લોકો સવાર હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે સાત વ્યક્તિનાં અને સારવાર દરમિયાન બેનાં મોત નીપજ્યાં છે. ૪૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લુવારા ગામના ફાટક પાસે વળાંક લેતી વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ ઊંડા ખાડામાં ત્રણ પલટી ગઈ હતી અને બસના બે ટૂકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને લોકોને બસની બહાર કાઢવામાં મદદ કરી હતી. જ્યારે મદદ માટે બે જેસીબી પણ ઘટનાસ્થળે બોલાવાયા હતા. ઈજાગ્રસ્ત લોકોને અમરેલી અને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગુજરાત સરકાર દ્વારા મૃતકોના પરિવારને ૪ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.