અમદાવાદઃ સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા લોકોને નિઃશુલ્ક તબીબી સેવા અને સારવાર અપાવવાનો સેવાયજ્ઞ શરૂ થયો છે. આ ફાઉન્ડેશનની સ્થાપનામાં શિક્ષક અને લેખક રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની મુખ્ય ભૂમિકા રહી છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હોસ્પિટલને લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરનું નામ અપાયું છે, જ્યાં રોગનિદાનથી માંડી એક્સરે-પેથોલોજી રિપોર્ટ્સ, ડાયાલિસીસ, ઈન્ડોર-ઓપીડી સહિતની ગુણવત્તાસભર સેવાઓ નિઃશુલ્ક અપાય છે. આરોગ્યમંદિરના નિર્માણના સ્વપ્નસેવી રતિલાલ બોરીસાગર, ડો. નંદલાલ માનસેતા અને હરેશભાઈ મહેતા રૂ. ૧૦૦૦ કરોડના પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને ૧૦૦ પથારી સાથેની મેડિકલ કોલેજ સ્થાપવાનું સ્વપ્ન પણ ધરાવે છે. આ માટે વિજય પરસાણા દ્વારા ૧૦૦ વીઘા જમીન આપવાની ઓફર પણ કરાઈ છે.
પ્રતિષ્ઠિત શિક્ષક અને લેખક રતિલાલ બોરીસાગરના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાગુરુના સન્માન તરીકે જાન્યુઆરી ૨૦૧૧માં સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની સ્થાપના થઇ હતી. આ પ્રતિષ્ઠાન દ્વારા દર વર્ષે સાવરકુંડલાના એક શિક્ષક અને સાહિત્યકારનું સન્માન રૂ. ૫૧,૦૦૦ની ધનરાશિ સાથે મોરારીબાપુના હસ્તે કરવામાં આવે છે. શિક્ષકના સન્માનથી આરંભ થયેલી પ્રવૃત્તિ દર્દીનારાયણની સેવાના અલગ સ્તરે પહોંચવાની આ અનોખી ઘટના છે, જેના પરિણામે જાન્યુઆરી ૨૦૧૪માં આરોગ્યમંદિરનો આરંભ કરાયો હતો. લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરમાં દર્દીને રાહતદરે નહિ પરંતુ, સંપૂર્ણ સન્માન સાથે તદ્દન નિઃશુલ્ક અને ગુણવત્તાપૂર્ણ સારવાર અપાય છે. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના લાભાર્થે ત્રીજી ઓક્ટોબરે કલા-મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ આરોગ્યમંદિરના લાભાર્થે યજમાનસહ રામકથા કરવાની જાહેરાત કરવા ઉપરાંત, અનેક શ્રેષ્ઠીઓ દાન સાથે આ સેવાયજ્ઞમાં સામેલ થઈ રહ્યા છે. આરોગ્યમંદિરના નિર્માણથી અત્યાર સુધીમાં ઓપીડીમાં ૪૮,૫૬૧ દર્દીની દવાઓ સાથે સારવાર, ૧૯૩ પ્રસૂતિ, ૧૫૧૮ ડાયાલિસીસ, ૨૧૮૪૩ પેથોલોજી પરીક્ષણો નિઃશુલ્ક કરવામાં આવ્યાં છે. અત્યારે આરોગ્યમંદિરમાં છ પથારીનું ડાયાલિસીસ સેન્ટર, પેથોલોજી અને ગાયનેક વિભાગ તેમ જ ઓપીડી વિભાગ કાર્યરત છે, જેમાં ૧૦ ડોક્ટર્સની કુશળ ટીમ કાર્યરત છે અને અન્ય નિષ્ણાતો પણ માનદ સેવા આપી રહ્યા છે.