સામાન્ય રીતે ગીરમાં આવતા મુસાફરો સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવાની લાલચ કરે છે અને સેલ્ફી વખતે જ સિંહ હુમલો કરે ત્યારે બેધ્યાન પ્રવાસીઓને ઈજા પહોંચે છે અથવા તો તેઓ જીવ ગુમાવી બેસે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ગીર-સોમનાથમાં સિંહોના માનવી પર વધતા હુમલા ઘટનાને લઈને ગીરને નો સેલ્ફી ઝોન જાહેર કરાયું છે. હવે આ વિસ્તારમાં કોઈ સેલ્ફી લેતા પકડાશે તો તેને દંડ થશે તેવું ગીર વનવિભાગે તાજેતરમાં જણાવ્યું છે.
• ચુડાના મોરવાડ પાસે કાર ઉંધી વળી જતાં ત્રણનાં મૃત્યુઃ ચુડાના મારવાડ ગામ પાસે ડ્રાઇવર સ્ટીયરિંગ ઉપર કાબૂ ગુમાવતાં કાર ઊંધી વળી જતાં અમદાવાદના ૪૫ વર્ષના સવિતાબહેન મેરાણી, ૪૨ વર્ષના અરૂણાબેન નરેશભાઈ મસાણી અને ૪૨ વર્ષના રાજભાઈ નારણભાઈના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. છ વ્યક્તિ ૧૨મી જૂને સવારે ટાટા ઇન્ડિકા કારમાં બેસીને ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતાં. ત્યારે ચુડાના મોરવાડ ગામ પાસે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તા પરથી ઉતરીને બાજુમાં આવેલા ખાડામાં ઊંધી પડી હતી.
• ટ્રક-છકડા વચ્ચેના અકસ્માતમાં ૧૨નાં મૃત્યુઃ લાઠી ચાવડ રોડ પર ૧૧મી જૂને સાંજે ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થતાં અમરેલી અને જામબાવળા ગામના દેવીપૂજક પરિવારના બાર લોકોનાં મૃત્યુ થયા હતાં. અકસ્માતમાં રિક્ષા ૫૦ મીટર સુધી ટ્રક સાથે ઢસડાઈ હતી અને મૃતદેહો આમથી તેમ વિખરાઈ ગયા હતા. મૃતકોમાં ચાર બાળકો અને ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે.
• માલપરમાં વીજ આંચકાથી ત્રણનાં મૃત્યુઃ ભાવનગર જિલ્લાના માલપરમાં રહેતા લીલાબા છનુભા ગોહિલ તેના ઘરે કપડાં સૂકવતાં હતાં ત્યારે અચાનક વીજઆંચકો લાગતા બૂમાબૂમ કરી હતી. તેને બચાવવા પુત્ર સુખદેવસિંહ, પુત્રવધૂ ઈન્દુબા અને પાડોશી મહિલા મધુબહેન પ્રહલાદભાઈ ગોસ્વામીએ પ્રયાસ કરતાં આ ત્રણેયને વીજઆંચકો લાગતા સ્થળ પર જ મૃત્યુ નીપજ્યાં હતાં. લીલાબાની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ભાવનગરના સરકારી દવાખાને ખસેડાયાં હતાં.
• મલ્બેરી કૌભાંડમાં એક્સાઇઝ અધિકારીની ધરપકડઃ રેવન્યુ ઇન્ટેલિજન્સના અમદાવાદ ઝોનલ યુનિટે મલ્બેરી સિલ્કની આયાત-નિકાસમાં ખોટા દસ્તાવેજો અને નકલી સહીથી રૂ. ૧૦૦ કરોડની ડ્યુટી ચોરીના કૌભાંડ સબબ આઠમી જૂને રાત્રે ધ્રાંગધ્રાથી સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ જે. બી. ઝાલાની ધરપકડ કરી હતી. ઝાલાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. ડ્યૂટી ચોરીના આ કિસ્સામાં આ પહેલાં રેવન્યુ ડિપાર્ટમેન્ટના જિતેન્દ્ર મિસ્ત્રી તથા કૌમિલ રાણપુરાની ધરપકડ કરવામાં આવી હતી.