સાહિત્ય સંગીત સાથે અસ્મિતા પર્વમાં હનુમંત પુરસ્કાર અર્પણ

Wednesday 04th April 2018 08:18 EDT
 
 

ભાવનગરઃ કૈલાસ ગુરુકુળ મહુવા અને ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુની નિશ્રામાં દર વર્ષની જેમ જ ૨૮મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી ૨૧મા અસ્મિતા પર્વ અને હનુમંત સંગીત મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પર્વમાં સાહિત્ય સંગોષ્ઠિ, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવ પણ હતો.
૩૧મીએ અસ્મિતા પર્વમાં હિંમતભાઇ શાહને શિલ્પકલા ક્ષેત્રે આજીવન સેવા બદલ કૈલાસ લલિતકલા એવોર્ડ અર્પણ કરાયો હતો તથા કાવ્ય અને સુગમ સંગીત ક્ષેત્રે આજીવન સેવા બદલ નયનેશ જાનીને અવિનાશ વ્યાસ એવોર્ડ અર્પણ થયો હતો.
પં. રામકુમાર મિશ્રને શાસ્ત્રીય તાલવાદ્ય સંગીત (તબલાં), એન. રાજમને શાસ્ત્રીય વાદ્યસંગીત (વાયોલિન), કુમુદિની લાખિયાને શાસ્ત્રીય નૃત્ય (કથક) તથા પં. છન્નુલાલ મિશ્રને શાસ્ત્રીય કંઠય સંગીત માટે અસ્મિતા પર્વમાં હનુમંત એવોર્ડ અર્પણ કરાયા હતા.
નટરાજ એવોર્ડ
લીલાબહેન પટેલને ગુજરાતી લોકનાટય (ભવાઇ), દીપક ઘીવાળાને ગુજરાતી રંગભૂમિ (નાટક), અરવિંદ ત્રિવેદીને ભારતીય ટેલિવિઝન શ્રેણી (હિન્દી), કામિની કૌશલ ભારતીય ફિલ્મ (હિન્દી) માટે નટરાજ એવોર્ડ અર્પણ થયા હતા.
અસ્મિતા પર્વની અસ્મિતા કેટલી?
અસ્મિતા પર્વમાં સાહિત્યકાર રવિન્દ્ર પારેખના પુસ્તક વિમોચન બાદ સુરતમાં વસતા રવિન્દ્ર પારેખે નવસારીની એક વીસેક વર્ષની સાહિત્યમાં રુચિ ધરાવતી યુવતીને વ્હોટ્સ એપ ચેટમાં મોરારિબાપુ સાથેનો પોતાનો ફોટો મોકલ્યા બાદ વાતચીતમાં કહ્યું હતું કે ‘મારી સાથે ફ્રેન્ડશિપ કર!’ યુવતીએ રવિન્દ્ર પારેખને સામે લખ્યું કે ‘હું તો તમારી દીકરી જેવડી છું.’ તો સાહિત્યકારે કહ્યું કે ‘દીકરી તો સમજ્યા ફ્રેન્ડશિપ કર બાકી મને ડિલિટ કર.’ યુવતીએ આ ચેટ સોશિયલ મીડિયામાં જાહેર કરતાં લોકોમાં ચર્ચા છે કે અસ્મિતા પર્વમાં આ પ્રકારના સાહિત્યકારને મંચ પર સ્થાન મળવું કેટલું યોગ્ય ગણાય?
ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર પારેખે અનેક કિશોરીઓ, યુવતીઓ અને આધેડ મહિલાઓને વ્હોટ્સ એપ કે સોશિયલ મીડિયા ચેટમાં ‘આઈ લાઈક યુ’થી માંડીને ‘આઈ લવ યુ’ના મેસેજ કરતાં સાહિત્યકારને સાહિત્ય પરિષદમાંથી રાજીનામું આપવાનો વારો આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter