સુદર્શન સેતુઃ દેશનો સૌથી લાંબો કેબલ બ્રીજ, 12 વ્યુઈંગ ગેલેરી

Wednesday 28th February 2024 04:44 EST
 
 

દ્વારકાઃ વડાપ્રધાને શનિવારે ઓખા - બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું તે બહુ વિશેષ છે. 978 કરોડ રૂપિયાનાં ખર્ચે સાકાર થયેલા આ બ્રિજની લંબાઇ 2320 મીટર, જેમાં 400 મીટર કેબલ સ્ટડેડ ભાગ છે.
સુદર્શન સેતુના મુખ્ય ગાળામાં બંને તરફ 20 બાય 12 મીટરના મોરપંખ આકારવામાં આવ્યા છે. સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર જ્યારે બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 950 મીટર છે અને બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા એ પાયલોન છે.
આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફુટપાથ અને ફુટપાથની બન્ને બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરીને ભગવદ્ ગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.
પદયાત્રીઓ માટે બનાવાયેલા વોક-વે ઉપર લગાવેલ સોલાર પેનલથી એક મેગાવોટ સૌરઉર્જાનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજને લાઈટીંગથી ઝળાહળાં કરવામાં થશે. બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માશ કરવામાં આવ્યું છે.
પરમાત્માનું દાયિત્વ મેં નિભાવ્યું
આ પહેલા ગત રાત્રે જામનગરમાં રોડ શોમાં લોકોનું અભિવાહન ઝીલી રાત્રિ રોકાણ ત્યાં કરીને આજે સવારે વડાપ્રધાન દેવભુમિ દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં રૂ. 978 કરોડના ખર્ચે ઓખાથી બેટદ્વારકા વચ્ચે બનેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું અને એન.ડી.એચ. ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતા ગત વર્ષે 85 લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી તેમાં ગુજરાતમાં 15.5 લાખ પ્રવાસી આવ્યા હતા. જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાના 4100 કરોડના 11 કામોની ભેટ આપીને એક સમયે વેપારી બંદર તરીકે વિખ્યાત ઓખાના ભવ્ય ભૂતકાળને વર્ણવ્યો હતો.
તેમણે કહ્યું કે બેટદ્વારકા જતા શ્રધ્ધાળુઓ ફેરીબોટ પર નિર્ભર હતા જે સમસ્યા માટે અગાઉ કેન્દ્રમાં વારંવાર રજૂઆત કરાઈ હતી પરંતુ, કામ મારા ભાગ્યમાં લખાયેલું હતું. પરમાત્માના આ દાયિત્વને મેં નિભાવ્યું છે. લોકો માટે હવે દ્વારકાધીશના દર્શન વધુ આસાન બનશે અને દિવ્યતાને ચાર ચાંદ લાગશે.
વડાપ્રધાને એશિયાટિક સાવજોના મુકામ એવા ગીર અભ્યારણ્ય, રણોત્સવ, નડાબેટ, ગીરનારના વિકાસ તથા રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો, ધોરડો બેસ્ટ વિલેજનો દરજ્જો મળ્યો તે સિદ્ધિ વર્ણવી હતી.
ભૂતકાળના શાસકોને આડે હાથ લીધા
ભુતકાળના શાસકોને આડે હાથ લેતા મોદીએ જણાવ્યું કે, તેમણે માત્ર સત્તા બનાવવા માટે જ શાસન કર્યું હતું દેશનું હિત વિચારવાના બદલે તેમણે માત્ર એક જ પરિવારને આગળ વધારવાનું કામ કર્યું છે. નાગરિકોની સુવિધા વધારવા માટે તેમની નિયત અને નિષ્ઠામાં ખોટ હતી.
તેમણે કહ્યું હતું કે ભુતકાળના શાસકો દ્વારા માત્ર ગોટાળા જ કરવામાં આવ્યા હતા. દેશામાં ટેલિકોમનો વિકાસ કરવાની વાત હતો ત્યાં ટુજીકૌભાંડ, રમતગમતના વિકાસને બદલે કોમનવેલ્થ કૌભાંડ, હેલિકોપ્ટર અને સબમરીન કૌભાંડ કરીને દેશવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
એક સમયે ઓખા વેપારી બંદર તરીકે નામના હતી
ઓખાના ભવ્ય ભુતકાળની યાદ અપાવતા મોદીએ કહ્યું કે, એક સમયે ઓખા વેપારી બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીંથી મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા. બેટ દ્વારકાના લોકો - શ્રદ્ધાળુઓ ફેરી બોટ ઉપર નિર્ભર હતા. અહીં એક પુલ બનાવવા જે તે સમયે કેન્દ્ર સામે રજૂઆતો કરાઈ હતી, પણ કોઇ પગલાં લેવાયા નહોતા.
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોના વિકાસની ભૂમિકા
દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી જેવા તીર્થ સ્થાનોમાં પ્રવાસી માટે સુવિધાઓ ઉભી કરાઇ છે. હેરિટેજ સિટી અમદાવાદ, રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વિશ્વકક્ષાનો તો કચ્છના ધોરડોને યુનેસ્કોએ શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળનો દરજજો આપ્યો છે. દ્વારકા નજીક શિવરાજપુર બિચને પણ બ્લ્યુ ટેગ મળતા વિકાસ થઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter