જામનગરઃ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવતા જામનગર જિલ્લાના જાંબુડાના વતની અને લોકપ્રિય લોકગાયક લાખાભાઈ ગઢવીનું ૨૬ જુલાઇએ નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસની બીમારી બાદ ૮૧ વર્ષની વયે તેમણે વતનમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી લોકસાહિત્ય અને કલાજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની અંતિમયાત્રામાં અનેક અગ્રણીઓ, પ્રશંસકો, ગઢવી સમાજના લોકો તથા ગ્રામજનો જોડાયાં હતાં.
લાખાભાઈ ગઢવીએ હેમુ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, કનુભાઈ બારોટ, દમયંતી બરડાઈ જેવા અનેક કલાકારો સાથે કાર્યક્રમો આપ્યા હતા. ૨૦ જેટલી ગુજરાતી ફિલ્મોના ગીતોમાં પણ તેમણે કંઠ આપ્યો હતો. તેઓ રાષ્ટ્રપતિ એવોર્ડ, હેમુ ગઢવી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી સહિતના એવોર્ડથી વિભૂષિત થયા હતા.