સુપ્રીમનું ફરમાનઃ તાલાળા પેટચૂંટણી પર રોક

Wednesday 03rd April 2019 08:39 EDT
 
 

અમદાવાદઃ ખનીજ ચોરીના કેસમાં તાલાળાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સ્થાનિક કોર્ટે સજા ફરમાવતાં જ ભાજપ સરકારે વિધાનસભા અધ્યક્ષને ભલામણ કરીને ધારાસભ્યપદ રદ કરાવ્યું હતું. લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ચૂંટણીપંચે પણ આ બેઠક પર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી દીધી હતી. ભાજપ તરફથી આ પેટાચૂંટણીમાં જસા બારડને ઊભા પણ કરી દેવાયાનું ઘોષિત કરાયું હતું. રાજકીય રીતે લેવાયેલા આ નિર્ણયમાં આખરે ભાજપ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ફટકો પડ્યો છે.
ભગવાનભાઈ બારડે તેમના ધારાસભ્યપદને રદ કરવાના અને પેટાચૂંટણી યોજવાના નિર્ણયને બહાલી આપતાં હાઇ કોર્ટના હુકમને પડકારતી પીટિશનમાં સુપ્રીમ કોર્ટે તાલાળાની પેટાચૂંટણી પર તત્કાળ રોક લગાવવાનો હુકમ જારી કરીને આ કેસમાં વધુ સુનવણી મોકૂફ રાખી છે. આ સાથે જ ચૂંટણીપંચ અને રાજ્ય સરકારને નોટિસ પણ પાઠવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે રૂ. ૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં બે વર્ષ નવ મહિનાની સજાને ધ્યાનમાં લઈને ભગવાન બારડને બરતરફ કરવામાં આવ્યા હતા. જેના પગલે ચૂંટણીપંચે તાલાળાની બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી દીધી હતી. આ જાહેરનામાને પડકારતી ભગવાનભાઈ બારડે હાઈ કોર્ટમાં રિટ કરી હતી.
જોકે હાઈ કોર્ટે ભગવાનભાઈની અરજી ફગાવી હતી અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાના નિર્ણયને પણ બહાલી આપી હતી. આમ હાઈ કોર્ટે પૂર્વ ધારાસભ્યને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તાલાળાની પેટાચૂંટણી પર હાલમાં રોક લગાવવાનો અને આ
કેસમાં વધુ સુનવણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter