સોમનાથમાં પ્રથમવાર વિષ્ણુકથા અને યાગ

Thursday 11th June 2015 02:58 EDT
 

જૂનાગઢ: ૧૭ જૂનથી પવિત્ર એવા પુરુષોત્તમ માસ (અધિક અષાઢ)નો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પુરુષોત્તમ માસનાં પ્રથમ દિવસથી જ સૌપ્રથમવાર ભગવાન વિષ્ણુની કથા અને વિષ્ણુયાગનું આયોજન થયું છે. ‘દશાવતાર વિષ્ણુપુરાણ મહાકથા’ પ્રથમ દિવસથી જ શરૂ થશે. સાથે જ સવારે હોમાત્મક વિષ્ણુયાગ અને બપોરે કથા શ્રવણનું આયોજન કરાયું છે.

આ કથાના વક્તા અમદાવાદના શાસ્ત્રી વિનોદભાઇ પંડ્યા છે. તેમણે જણાવ્યું કે ૧૭થી ૨૪ જૂન દરમિયાન બપોરે ૩થી ૭ દરમિયાન કથા યોજાશે. હરિહરના ધામમાં પુરુષોત્તમ માસમાં હરિકથાનું શ્રવણ ખૂબ જ ઉત્તમ ફળદાયી મનાયું છે. જ્યારે સવારે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથની પાવનધરા અનેક રીતે પ્રખ્યાત છે.

સૌપ્રથમ તો સોમનાથને સનાતન ધર્મનું મૂળ સ્થાનક પણ કહી શકાય. સાથે જ અહીં પિતૃઓને સદ્ગતિ આપનાર ત્રિવેણી સંગમ પણ છે. જેમાં કપિલા-સરસ્વતી અને હરણી નદીના અહીં સંગમ છે. સાથે આ જ પવિત્ર સ્થાનેથી દક્ષિણ ધ્રુવ સુધી અબાધિત જળમાર્ગ આવેલો છે. યમરાજાની નગરી દક્ષિણમાં આવેલી છે, માટે આ સ્થળ પર થયેલું શ્રાદ્ધ-તર્પણ પિતૃઓ સુધી પહોંચે છે.

આજથી ૫૦૦ વર્ષ પૂર્વે શ્રીવલ્લભાચાર્યજીએ આ પાવન ધરા પર પગરણ કર્યા હતા અને શ્રીમદ્ ભાગવતનું પઠન કર્યું હતું. આ અંગે એવું પણ કહેવાય છે કે સાત દિવસ સુધી શિવજીએ પણ પ્રત્યક્ષ ભાગવત કથા શ્રીમહાપ્રભૂજીના મુખેથી સાંભળી હતી.

જયારે જ પવિત્ર ભૂમિ ઉપર વિદુરના સ્વરૂપમાં ભૂતળ ઉપર પધારેલા, યમરાજોએ આ જ સ્થાન ઉપર પોતાનો દેહત્યાગ કર્યો હતો, તેવું વર્ણન પણ શ્રીમદ્ ભાગવતમાં જોવા મળે છે. જયારે ૧૦૦ વર્ષ સુધી દ્વારિકાનું શાસન કરી ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ જ સોમનાથ તીર્થની ભૂમિમાં અંતિમ શ્ર્વાસ લીધો હતો અને બલરામજી સાથે પોતાની લીલા સંકેલી હતી.

શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાનોના પિતૃઓની સદ્ગતિ માટે દરરોજ વિષ્ણુયાગનું પણ આયોજન થયું છે. જેમાં વૈદિક પુરુષ સૂક્ત સાથે આહુતિ અપાશે. એવું કહેવાય છે કે ચોખાના દાણા જેટલું પિતૃકાર્ય કરવાથી પિતૃઓ તૃપ્ત બને છે. ભગવાન પરશુરામે પણ ક્ષત્રિયોનો સંહાર કર્યા બાદ આજ ભૂમિ ઉપર માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter