સોમવતી અમાસે સોમનાથમાં ૧૯ ધ્વજારોહણઃ ૮૬૪ રુદ્રાભિષેક

Wednesday 23rd August 2017 10:45 EDT
 
 

વેરાવળઃ સોમનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે વરસતા વરસાદમાં પણ ૧ લાખ ભાવકોએ દર્શનનો લાભ લીધો હતો. દાદાની પાલખીયાત્રા રથારોહણ શૃંગાર દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો. શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસે વરસતા વરસાદમાં પણ પ્રભાસક્ષેત્રમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યો હતો. એક લાખ શિભક્તો દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા. મંદિરમાં ૧૯ ધ્વજારોહણ ઉપરાંત ૮૬૪ રુદ્રાભિષેક થયાં હતાં. સવાલક્ષ બિલ્બવ પૂજાના યજમાનો ફળદાન વિધિ યોજાઈ હતી. સવારે દાદાની પાલખીયાત્રા વાજતે ગાજતે યોજાઈ હતી. સાંજે સોમનાથ દાદા રથમાં વિહાર કરતા હોય તેવા અલૌકિક રથારોહણ શૃંગાર દર્શન યોજાયા હતાં. સાંજની આરતીમાં મંદિરે કે પરિસરમાં પગ મુકાય તેવી જગ્યા નહોતી તેટલો ભાવિકોનો ધસારો હતો.
૧૪૫૫ કળશ સુવર્ણજડિત
સોમનાથ મંદિરનાં ગર્ભગૃહ અને શિખર સુવર્ણ જડિત કરાયાં છે. ટ્રસ્ટ દ્વારા હવે બાકીનાં રહેતા મુખ્ય ભાગો નૃત્યમંડપ, સભામંડપ સહિતનાં ૧૪૫૫ કળશોને સુવર્ણજડિત કરવાની પ્રયોજન શરૂ કરાયા છે. ત્યારે શ્રાવણ માસનાં પાવન પર્વે રવિવારે દાદાનાં દર્શનાર્થે આવેલા અમદાવાદનાં શિવભક્તોને ટ્રસ્ટનાં જનરલ મેનેજર અને સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયરે આ યોજનાની માહિતી આપી હતી. જે અંતર્ગત ગિરીશભાઈ પટેલ દ્વારા રૂ. ૫.૫૧ લાખ, મયુરભાઈ દેસાઈ રૂ. ૫.૫૧ લાખ, દીપકભાઈ પટેલ રૂ. ૧.૨૧ લાખ, સુનીલભાઈ પટેલ રૂ. ૧.૨૧ લાખનું પ્રથમ દાન આપી મહાપૂજા કરાઈ હતી.
મહાદેવે પ્રથમ તક આપી
મહાદેવે આ કાર્યનાં શુભારંભની સુવર્ણ તક પ્રથમ અમારા ફાળે આપી છે એમ દાતા પરિવારે જણાવ્યું હતું અને સ્વાઇપ મશીનથી કેશલેસ ટ્રાન્ઝેકશન કરી આ દાન શિવાર્પણ કરાયું હતું.
૧૭ વખત તુટ્યું
ઇ.સ. ૧૦૨૬માં મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું અને મંદિરમાંથી સોનુ લૂંટી તોડી નાખ્યું હતું. ત્યાર બાદ ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈ પટેલે મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો હતો. કહેવાય છે કે સોમનાથ મંદિર ૧૭ વખત તૂટ્યું અને ૧૭ વખત બંધાયું. લોકવાયકા મુજબ કૃષ્ણએ લાકડાનું, રાવણે રૂપાનું, ભીમદેવ સોલંકીએ પથ્થરનું મંદિર બનાવ્યું હતું. ૨૦૧૨માં ફરી સુવર્ણ મંદિર બનાવવાનાં સંકલ્પ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter