પોરબંદરઃ કુતિયાણાના ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પરિવાર દ્વારા પોરબંદરમાં ભાગવત સપ્તાહનું તાજેતરમાં આયોજન કરાયું હતું. આ પ્રસંગમાં સોનાના ઘરેણાથી સજેલી અને પારંપરિક મેર પરિધાનમાં આવેલી પરિવારની કેટલીક મહિલાઓએ કારતૂસના હાર ખભે ભરાવેલાં હતાં.
હાથમાં રાઈફલ સાથેની આ મહિલાઓની તસવીરો વાઇરલ થતાં આ પ્રસંગની ભારે ચર્ચા ચાલી છે અને આ ઘટના અંગે પોલીસ તપાસના આદેશ અપાયા છે. જોકે આ બાબતે ભૂરા જાડેજાએ કહ્યું હતું કે, મને આ ઘટના વિશે કંઈ ખ્યાલ જ નથી. મને જે હકીકત જાણવા મળી છે તે પ્રમાણે મહિલાઓને તસવીરોમાં હથિયારો સાથે દર્શાવાઈ છે. આ ફોટોશોપની કરામત હોઈ શકે છે. બાકી અમારી પાસે લાઇસન્સવાળા હથિયારો છે અને મહિલાઓએ ખાલી ફોટોસેશન કરાવ્યું હોય તેવું પણ બની શકે.