સૌરાષ્ટ્રના આ આશ્રમમાં અપાય છે દીકરાનું દાન!

Monday 30th September 2019 08:38 EDT
 
 

વાંકાનેરઃ રાજકોટથી માત્ર ૫૦ કિલોમીટરના અંતરે વાંકાનેર પાસે અંતરિયાળ વિસ્તારમાં નાની નાની ટેકરીઓની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું મેસરિયા ગામ આવેલું છે. આ ગામની નજીક જાલાબાપાની જગ્યા આવેલી છે. ધર્મસ્થાન હોય એટલે શ્રદ્ધાળુઓ દાનની સરવાણી વહાવતા હોય તેમાં કંઇ નવું નથી, પરંતુ આસ્થાના આ કેન્દ્રની વાત અનોખી છે. રબારી સમાજમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા આ સ્થાનકે શ્રદ્ધાળુઓ પોતાની સૌથી મૂલ્યવાન સંપત્તિ એટલે કે પોતાનો વહાલસોયો દીકરો દાનમાં આપે છે. અત્યાર સુધીમાં ૭૦ જેટલા બાળકોનું દાન થઈ ચૂક્યું છે.
રબારી સમાજના લોકો જાલાબાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમના પરિવારમાં કોઇ સમસ્યા આવે કે પછી સંતાનો ન થતા હોય તો જાલાબાપાની માનતા રાખે છે કે બે દીકરા થશે તો એક દીકરો આશ્રમમાં દાનમાં આપશે. અને માનતા પૂરી થયે તેનું અક્ષરશઃ પાલન પણ થાય છે.
દીકરાને દાનમાં આપવાની વિધિ પણ રંગેચંગે ઉજવાય છે અને રબારી સમાજ તેમાં જોડાય છે અને સહુ આશ્રમે પહોંચીને દીકરો અર્પણ કરીને પરત આવે છે. દીકરાનું જાણે નવજીવન થયું હોય તેમ નવું નામ પાડવામાં આવે છે. અહીં તે પરિવારની જેમ જ રહે છે, તેના પર કોઇ પ્રતિબંધ નથી હોતા. શાળાએ ભણે છે અને સારી કારકિર્દી પણ બનાવે છે, એમ એક સ્થાનિક દૈનિક દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ અનુસાર દીકરાને અર્પણ કરવાની કે દાનમાં આપવાની આ પ્રણાલિકા રબારી સમાજમાં ૧૦૦૦ વર્ષ કરતાં પણ જૂની છે, જેનું મૂળ દૂધરેજ ગામ હોવાનું માનવામાં આવે છે. અહીં રબારી સમાજે વડવાળાની સેવા માટે બાળકો દાનમાં આપવાની શરૂઆત કરી હતી. દૂધઇ ગામે સંતો આવ્યા અને ત્યાં પણ પરંપરા શરૂ થઇ.
આજથી ૨૫૦ વર્ષ પહેલા રબારી સમાજના સંત જાલાબાપા અને તેમના પત્નીએ મેસરિયા ગામની નજીક આવેલા જંગલમાં ઉદ્દાલખ ઋષિના આશ્રમ પાસે જીવતા સમાધિ લીધી હતી. ત્યાં સૈકા સુધી ગામ લોકોએ સેવા કરી પછી દૂધઇના સંતોને વિનંતી કરતા સંત વીરદાસ અહીં સ્થાયી થયા અને દીકરા દાનમાં દેવાની પ્રણાલિકા શરૂ કરાવી હોવાનો ઉલ્લેખ છે.
અહીં આવેલા એક શ્રદ્ધાળુ વિરાભાઈએ જણાવ્યું કે, તેઓ નાના હતા ત્યારે શ્વાસની બીમારી હતી એટલે તેમના પિતાએ માનતા માની હતી કે, જીવી જશે તો દાનમાં આપી દેશે. જોકે બાદમાં તેઓ માનતા પાળવાનું ભૂલી ગયા હતા. વિરાભાઈની સગાઈ થઇ ત્યારે તેમને માનતા યાદ આવી. આ સમયે તેમણે સંકલ્પ કર્યો કે પિતા ભલે ભૂલી ગયા, પણ તેમના પરિવારમાંથી (સંતાન) દાન અપાશે જ એટલે લગ્ન બાદ જો તેમને બે દીકરા થાય તો એક દીકરો અહીં દાન આપી દેશે.
વિરાભાઇએ લગ્ન કર્યા બાદ સંતાનમાં બે દીકરા થતાં ૪ વર્ષનો નાનો દીકરો એક વર્ષ પહેલા જ જાલાબાપાની જગ્યામાં દાનમાં આપ્યો જેનું નવું નામ વિષ્ણુદાસ પાડ્યું. હાલ તે શાળામાં અભ્યાસ કરે છે. આશ્રમે આવ્યાના બીજા જ દિવસે વિષ્ણુદાસે ઘરે આવવાની ના પાડી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter