સૌરાષ્ટ્રના ઉદ્યોગોથી આફ્રિકનો પ્રભાવિતઃ

Saturday 14th February 2015 07:00 EST
 

સૌરાષ્ટ્રના ઉદ્યોગોથી આફ્રિકનો પ્રભાવિતઃ રાજકોટમાં ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આફ્રિકાના ત્રણ દેશોના એમ્બેસેડર સૌરાષ્ટ્રમાં રહેલી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતાથી પ્રભાવિત થઈને આ વિસ્તારમાંથી અનેક ચીજ-વસ્તુઓની પોતાને ત્યાં આયાત કરવા ઉત્સુક બન્યા છે. આ સાથે પોતાના દેશમાં આરોગ્ય, કૃષિ અને માઇનિંગના ધંધામાં સૌરાષ્ટ્રના સાહસિકો રોકાણ કરે એ માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા પાંચ દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુદાનના એમ્બેસેડર હસન અલ તાલિબે ભારત અને સુદાન વચ્ચેના ૫૫ વર્ષ જૂના સંબંધોને અહીં તાજા કર્યા હતા. એ સાથે આફ્રિકા સાથે સૌરાષ્ટ્રના વ્યાપારિક સંબંધો સદીઓથી હોવાનું જણાવ્યું હતું. આફ્રિકામાં સૌરાષ્ટ્રની કૃષિ મશીનરીઓનો મોટાપાયે ઉપયોગ થાય છે.

ગિરનાર રોપ-વેને કેન્દ્રીય સમિતિની મંજૂરીઃ જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપ-વે પ્રોજેક્ટ આડેના અનેક વિધ્નો હવે એક પછી દૂર થઇ રહ્યા છે. કેન્દ્ર સરકારની પર્યાવરણ સમિતિએ ગિરનાર ખાતે રોપ વે પ્રોજેકટને મંજૂરી આપીછે. હવે સુપ્રીમ કોર્ટની એક ખાસ સમિતિ જો આ પ્રોજેકટને લીલીઝંડી આપે પછી ગિરનાર પર રોપ-વેનું કામ શરૂ થશે. ગત સપ્તાહે ભવનાથ શિવરાત્રી મેળાના પ્રારંભે જૂનાગઢ આવેલા કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ પટેલે જણાવ્યુ હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રોજેકટને ઝડપથી સાકાર કરવા અધિકારી એ.કે. શર્માની નિયુકિત પણ કરી છે. કમિટીમાં ખાલી જગ્યા ભરવા પણ સૂચના આપી છે. હવે સુપ્રીમ કોર્ટની એમ્પાવર્ડ કમિટીનો રિપોર્ટ સાનુકુળ આવે તો પ્રોજેકટ તાત્કાલિક શરૂ થઈ શકે છે.

જામનગરમાં યોજાશે ‘નારી કથા’ઃ જામનગરમાં શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના સ્થાપક મંજુલાબહેનના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવ અંતર્ગત માતૃગૌરવ દિનની ઉજવણી પ્રસંગે ૨૦, ૨૧, ૨૨ ફેબ્રુઆરી-૨૦૧૫ ત્રિ-દિવસીય નારીકથાનું આયોજન કરાયું છે. ડો. ટીનાબહેન દોશી વેદથી મહાભારત સુધી નારી પાત્રોની વીરતા, વિદ્વતા નારી કથાનું રસપાન કરાવશે. તેઓ જાણીતા પત્રકાર, લેખિકા અને સંશોધક હોવાની સાથે જ નારી કથા કરનાર સર્વ પ્રથમ કથાકાર છે. આ નારીકથામાં વેદથી મહાભારત સુધીના સમયખંડના સ્ત્રી પાત્રોને નવી ઓળખ સાથે રજૂ કરવામાં આવ્યાં છે.

રાજકોટમાં બનશે ત્રીજો રીંગ રોડઃ રાજકોટના ‘રૂડા’ વિસ્તારમાં નવો વિકાસ થઇ રહ્યો છે. આ વિસ્તારમાં નવા રિંગ રોડ, આંતરિક રસ્તા, માળખાકીય સુવિધાનો સાથે સમાવિષ્ટ વર્ષ ૨૦૩૧ સુધીના વિકાસનું આયોજન ગત સપ્તાહે ‘રૂડા’ બોર્ડ બેઠકમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અને ‘રૂડા’ના ચેરમેન વિજય નહેરા દ્વારા મંજૂર થયો હતો. અત્યાર સુધી એવું બનતું છે કે, રાજકોટના પશ્વિમ ભાગમાં વિકાસ થઈ રહ્યો છે પરંતુ આ ડેવલપમેન્ટ પ્લાનમાં શહેરની ચારે તરફ ખાસ કરીને ઈસ્ટ ઝોન (પૂર્વ) ઝોન તરફ વધૂ ભાર મૂકાયો છે. આ આયોજનમાં વિવિધ મહત્ત્વપૂર્ણ જાહેરાતોની સાથોસાથ શહેરની ફરતે ત્રીજા રીંગ રોડનો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

કોકિલાબહેન અંબાણી વતનની મુલાકાતેઃ જૂનાગઢ પંથકના ચોરવાડ ખાતે ગત સપ્તાહે યોજાયેલા અતિરૂદ્ર યજ્ઞમાં રિલાયન્સ ગ્રૂપનાં મોભી કોકિલાબેન અંબાણીએ હાજરી આપી હતી. રિલાયન્સનાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ પાઠક અને ચેતનાબેન પાઠકનાં યજમાન પદે અતિરૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. વતનમાં તેમણે સમુદ્રની મહાઆરતી પણ નિહાળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter