સૌરાષ્ટ્રનાં યાત્રાધામો પર આતંકવાદીઓની નજરઃ

Friday 17th April 2015 06:27 EDT
 

આતંકવાદી હુમલાની આશંકાના પગલે સૌરાષ્ટ્રના જાણીતા યાત્રાધામો સોમનાથ, દ્વારકા અને બેટ દ્વારકામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાનાં ગામો અને દરિયામાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને પાકિસ્તાન સરકારે તાજેતરમાં મુક્ત કર્યો હતો. લખવી ભારતમાં ફરીથી આતંકી પ્રવૃત્તિ કરે તેવી આશંકાના પગલે ગુપ્તચર વિભાગે સતર્ક રહેવા તાકિદ કરી હતી. જેથી ગુજરાત સરકારે પોલીસ તંત્રને સાબદું કર્યું હતું. 

દ્વારકામાં ભગવાનને સોના-ચાંદીના વાસણોની ભેટઃ રિલાયન્સના ગ્રૂપ પ્રેસિડેન્ટ, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી પરિવાર દ્વારા ગત સપ્તાહે દ્વારકાધીશ જગતમંદિર પર ધ્વજારોહણ કરીને રાજભોગ માટે સોના-ચાંદીના વાસણો દ્વારકાધીશ મંદિરમાં અર્પણ કર્યા હતા. જેમાં સોના-ચાંદીના થાળી, વાટકી, ચમચીનો સમાવેશ થાય છે. સોનાના વાસણોનું વજન ૧ કિલો ૬૦૦ ગ્રામ તેમ જ ચાંદીના વાસણોનું વજન ૬ કિલો છે. જેની અંદાજિત કિંમત ૫૦ લાખ જેવી થાય છે.

ગીર અભ્યારણ્ય પાંચ દિવસ બંધ રહેશેઃ મે માસના પ્રારંભથી રાજ્યમાં સિંહોની વસતી ગણતરી વન વિભાગ દ્વારા શરૂ થશે. આથી ૧ મેથી ૫ મે દરમિયાન પાંચ દિવસ માટે પ્રવાસીઓ માટે ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર પરિચય ખંડ અને દેવળીયા વિસ્તારમાં શૈક્ષણિક, મનોરંજન, પ્રવાસન સહિતના તમામ હેતુઓ માટે પ્રવાસીઓ અને જાહેર જનતાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter