સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત

Friday 19th June 2015 06:54 EDT
 

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લા તેમ જ શહેરમાં મેઘમહેર ચાલુ રહી હતી. એકંદરે એકથી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

જ્યારે જેસર, ભણગોર, રાતડી અને બરડા પંથકમાં વીજળી પડવાની ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે અને અડધો ડઝન જેટલી વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં મોસમનો કુલ વરસાદ અત્યાર સુધીમાં ધારીમાં સૌથી વધુ નવ ઈંચ પડી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મહેર ઉતારતા ગિરનાર પર્વત ઉપર અઢી, વંથલીમાં બે, જૂનાગઢમાં દોઢ તથા માંગરોળમાં એક અને કેશોદ તથા માળીયામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને સર્વત્ર ઠંડક પ્રસરી હતી.

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિનો સંથારોઃ ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજની તબિયત અત્યંત નાજુક છે. તેમને તપાસ માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયા ત્યારે સારવાર દરમિયાન એકાએક મૂર્છિત થઇ જતાં ભાનમાં લાવવાના ઘનિષ્ઠ પ્રયાસોમાં સફળતા ન મળતા જૈન આગેવાનોએ તેમને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ શેઠ ઉપાશ્રયે લઇ આવેલ હતા. તેમની તબિયત નાજુક જણાતાં જૈન સમાજના આગેવાનો દ્વારા ગુરુદેવને સાગારી સંથારાના પચ્ચખાણ આપવામાં આવ્યા હતા. તેમની તબિયતને લઇને સ્થાનકવાસી જૈન સમાજમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ૮૮ વર્ષની વયના ગિરીશમુનિ છેલ્લા લાંબા સમયથી લીવરની બીમારીથી પીડાઇ રહ્યા છે. ગિરીશમુનિ મહારાજે ૨૫ વર્ષની યુવા વયે દીક્ષા ગ્રહણ કરી હતી. ૬૩ વર્ષના સંયમી જીવન દરમિયાન એક લાખથી વધારે કિ.મી.નો વિહાર કર્યો છે.

સુરેન્દ્રનગરના ફાસ્ટનર્સ ઉદ્યોગમાં ચીનને રસઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત વખતે ચીનના ઉદ્યોગપતિઓને ભારતમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરવા માટે આમંત્રણ અપાયા હતા. તેના પગલે વઢવાણમાં ચીનનું એક વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું હતું. આ મંડળે વઢવાણની પણ મુલાકાત લીધી હતી અને ફાસ્ટનર્સ, મશીનરી અને કોટનના બિઝનેસમાં રસ દાખવ્યો હતો. સુરેન્દ્રનગરમાં ૮૦ જેટલા ફાસ્ટનર્સ એકમો છે. બીજા ઉદ્યોગોમાં પણ અગ્રેસર છે. ક્લસ્ટર વિકાસ થાય એ માટે ધ્યાન કેન્દ્રિત થયું છે. હવે શિક્ષણનું હબ સુરેન્દ્રનગર બની રહ્યું છે. માળખાકીય સુવિધાઓ વધતી જાય છે. લોકો મહેનતુ છે અને બિઝનેસ માટે અનુકૂળ વાતાવરણ છે એ જોતા ચીન અને લુધિયાણાના ઉદ્યોગકારોને રોકાણ માટે તેમણે અપીલ કરી હતી. ચીનના ઉદ્યોગકારો સુરેન્દ્રનગરમાં સંયુક્ત સાહસ પણ કરી શકે એ માટે માહોલ પૂરો પડાશે એમ કહ્યું હતું. ભારતમાંથી સૌથી વધુ ગુજરાતનો કપાસ ચીનમાં નિકાસ થાય છે ત્યારે ભારત સાથે આ ક્ષેત્રે કામ કરવા પણ તૈયારી બતાવી હતી.

આસામની અનાથ બાળાઓ હળવદમાં દત્તક લેવાઇઃ આધુનિક જમાનામાં લોકો વ્યક્તિગત જીવનને વધારે આપી રહ્યા છે. પરંતુ હજુ સમાજમાં ઘણી સંસ્થાઓ એવી છે કે જે માનવતાલક્ષી કાર્ય કરીને ફોરમ ફેલાવે છે. સુરેન્દ્રનગર પંથકની હળવદની સરસ્વતી શીશુ મંદિર પણ આવી જ સંસ્થા છે કે જેણે આસામની ૨૦ અનાથ બાળાઓને દત્તક લીધી છે. હળવદમાં વિદ્યાભારતી ટ્રસ્ટ સંલગ્ન સરસ્વતી શિશુ મંદિર દ્વારા દિલ્હીમાં સેવા સંગમ સંસ્થાની એક બેઠક યોજાઇ હતી. જેમાં આસામમાં આવેલ વિનાશક તોફાન પીડીત ૨૦ જેટલી અનાથ બાળાઓને દત્તક લઇ રાજયનું ગૌરવ વધારતો માનવતાવાદી નિર્ણય લઇને સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સંસ્થા દ્વારા દત્તક લેવાયેલી ૨૦ બાળાઓ પાંચથી આઠ વર્ષની છે. તમામ બિલકુલ નિરાધાર છે. આ બાળાઓને દિલ્હી રેલવે સ્ટેશન પર સંસ્થાના ટ્રસ્ટી રમણિકભાઇ રાબડીયા, વર્ષાબેન રાઠોડ અને બે પોલીસ જવાનો લેવા ગયા હતા. બાળાઓને લઇને હળવદ રેલવે સ્ટેશને તેઓ પહોંચતા સંસ્થાની બાળાઓ, ટ્રસ્ટીઓ સહિતના લોકોએ અનાથ બાળકીઓનું સ્વાગત કર્યું હતું. આ બાળાઓને સંસ્થામાં ભણવા, રહેવા, જમવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. સંસ્થા દ્વારા તમામ જવાબદારી સ્વીકારી બાળાઓને પગભર પણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter